<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના ત્રીજા સપ્તાહમાં ઈરાનની આરોગ્ય સેવાઓ પડી ભાંગી: ૧૫,૦૦૦ ઘાયલોથી હોસ્પિટલો ઉભરાઈ ગઈ:ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની ભારે અછત

અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં ઈરાનની ૩૧ હોસ્પિટલોને તબાહ: ૧૨ હોસ્પિટલો સંપૂર્ણપણે બંધ: પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે દવાઓ અને તબીબી ઉપકરણો ખૂટી પડતા માનવીય કટોકટી સર્જાઈ

ઈરાન પર થઈ રહેલા બોમ્બમારાને કારણે ત્યાંની સ્વાસ્થ્ય પ્રણાલી સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. અત્યાર સુધીમાં હજારો લોકો ઘાયલ થયા છે અને અનેક હોસ્પિટલો સેવા આપવા માટે અક્ષમ બની છે.

 

તેહરાન અને અન્ય મોટા શહેરોમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે ઈરાનમાં માનવીય સંકટ ઘેરું બન્યું છે. કુડ્સ ન્યૂઝ નેટવર્કના અહેવાલ મુજબ, અમેરિકા અને ઈઝરાયેલના સૈન્ય અભિયાનને ત્રણ અઠવાડિયા પૂરા થવા આવ્યા છે, જેમાં ઈરાનના આશરે ૧૫,૦૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. આટલી મોટી સંખ્યામાં ઘાયલોને કારણે હોસ્પિટલોમાં જગ્યા બચી નથી. સૌથી ચિંતાજનક બાબત એ છે કે હુમલાઓમાં ૩૧ જેટલી હોસ્પિટલો અને ક્લિનિક્સને સીધું નિશાન બનાવવામાં આવ્યું છે, જેમાંથી ૧૨ હોસ્પિટલો સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.

 

યુદ્ધમાં અત્યાર સુધીમાં ૧૧ આરોગ્ય કર્મચારીઓના મોત થયા હોવાની પણ પુષ્ટિ થઈ છે. ઈરાન પરના પશ્ચિમી દેશોના લાંબા સમયના આર્થિક પ્રતિબંધોને કારણે હોસ્પિટલોમાં આધુનિક ઉપકરણો અને જીવનરક્ષક દવાઓની પહેલેથી જ અછત હતી, જે હવે યુદ્ધને કારણે ચરમસીમાએ પહોંચી છે. ડોક્ટરો સંસાધનોના અભાવે લાંબી શિફ્ટમાં કામ કરવા મજબૂર છે. આ કટોકટીને પહોંચી વળવા માટે મેડિકલ સ્ટુડન્ટ્સ અને નિવૃત્ત તબીબોની પણ મદદ લેવામાં આવી રહી છે. ઈરાની આરોગ્ય અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ માટે અપીલ કરી છે, પરંતુ યુદ્ધના વાતાવરણમાં સહાય પહોંચાડવી મુશ્કેલ બની રહી છે. 

 

(9:40 AM IST)