<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ઈરાન પર ૭૦૦૦થી વધુ હુમલાઃ નેવીના ૧૦૦ જહાજો ડૂબાડી દીધા

ડોનાલ્‍ડ ટ્રમ્‍પનો નવો દાવો...ઈરાનની સૈન્‍ય તાકાત હવે ખતમ થઈ ચુકી છે

વોશીંગ્‍ટન તા.૧૭: મિડિલ ઈસ્‍ટ જંગને લઈને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે સોમવારે નવો દાવો કર્યો છે કે ઈરાનની સૈન્‍ય તાકાત હવે ખતમ થઈ ચુકી છે. તેમણે જણાવ્‍યું કે ઈરાનમાં ૭૦૦૦થી વધુ સૈન્‍ય ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્‍યા છે. ટ્રમ્‍પે ફરી એકવાર ફરી એક વાર મદદનો રાગ અલાપતા કહ્યું કે, અમે ઈચ્‍છીએ છીએ કે ચીન અને જાપાન આગળ આવે અને આ મામલે અમારી મદદ કરે.

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે દાવો કર્યો કે, ઈરાની સરકારને સમાપ્ત કરવા માટે અમારું શક્‍તિશાળી સૈન્‍ય અભિયાન છેલ્‍લા કેટલાક દિવસોથી પૂરી તાકાત સાથે ચાલુ છે. તેઓ લગભગ સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે. ઈરાનની વાયુસેના અને નૌકાદળ ખતમ થઈ ગયા છે. તેમના ૧૦૦થી વધુ જહાજો અને અનેક વોરશિપ ડૂબાડી દેવામાં આવ્‍યા છે. એન્‍ટી એરક્રાફટ સિસ્‍ટમ અને તેમનું રડાર નેટવર્ક નષ્ટ થઈ ગયું છે અને તેમના નેતાઓ પણ માર્યા ગયા છે. તેઓ ૪૭ વર્ષોથી આતંક ફેલાવી રહ્યા હતા અને હવે તેમની સામે એક્‍શન લેવામાં આવી રહ્યા છે, જે ઘણા વર્ષો પહેલા લેવાની જરૂર હતી.

ટ્રમ્‍પે આગળ જણાવ્‍યું કે, અમે ખાર્ગ દ્વીપ પર હુમલો કર્યો અને તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધો. અમે દ્વીપ પરના તેલ ભંડાર વાળા વિસ્‍તારને છોડીને બાકીનું બધું જ તબાહ કરી દીધું છે. અમે પાઇપલાઇનો ત્‍યાં જ રહેવા દીધી છે. અમે આવું કરવા માંગતા ન હતા, પરંતુ અમારે તેમ કરવું પડ્‍યું. ભવિષ્‍યમાં તે દેશ (ઈરાન)ના પુનઃનિર્માણના ઉદ્દેશ્‍યથી મને લાગે છે કે અમે યોગ્‍ય કાર્ય કર્યું છે. હવે ઈરાન ફરી ક્‍યારેય મિસાઇલ અને ડ્રોન ક્ષમતા વધારી શકશે નહીં કારણ કે અમે તેને નષ્ટ કરી દીધી છે.

સ્‍ટેટ ઓફ હોર્મુઝને અમે અત્‍યારે ખૂબ જ સારી સ્‍થિતિમાં રાખ્‍યું છે. અમે ઈરાનને પહેલાથી જ કાબૂમાં કરી લીધું છે. કારણ કે આ એક સાંકડો વિસ્‍તાર છે, તેથી જ ઈરાન હંમેશાથી તેનો ઉપયોગ એક હથિયાર તરીકે કરતું આવ્‍યું છે. હવે તે લાંબા સમય સુધી આનો ઉપયોગ કરી શકશે નહીં. ઘણા દેશોએ મને જણાવ્‍યું છે કે તેઓ આ દિશામાં આગળ વધી રહ્યા છે. કેટલાક દેશો આ માટે ખૂબ જ ઉત્‍સાહિત છે અને કેટલાક એવા દેશો પણ છે જેમની આપણે વર્ષોથી મદદ કરી છે.

 

(10:02 AM IST)