<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

છત્તીસગઢની હોસ્‍ટેલમાં ત્રણ કિશોરીઓ ગર્ભવતી થતાં તપાસનો આદેશ

વિદ્યાર્થિનીઓ ઘરેથી સ્‍કૂલે આવતી હતીઃ શિક્ષણમંત્રી : સરકારી હોસ્‍ટેલમાં રહીને હાઈસ્‍કૂલમાં ભણતી આદિવાસી કિશોરીઓનો મુદ્દો દબાવી દેવાનો પ્રયાસ થયોઃ વિધાનસભામાં વિપક્ષનો આરોપ

બીજાપુર,તા.૧૭: છત્તીસગઢના બીજાપુર જિલ્‍લામાં આવેલી સરકારી ગર્લ્‍સ હોસ્‍ટેલમાં રહેતી ત્રણ વિદ્યાર્થિની ગર્ભવતી થઈ જતાં કલેક્‍ટરે આ & મામલે તપાસનો આદેશ આપ્‍યો છે. ચાર સભ્‍યોની સમિતિ આ ઘટનાની તપાસ કરીને સાત દિવસમાં અહેવાલ આપશે. જોકે, રાજ્‍યના શિક્ષણ મંત્રીએ દાવો કર્યો હતો કે જે વિદ્યાર્થિનીનો ઉલ્‍લેખ કરવામાં આવે છે તે હોસ્‍ટેલમાં રહેતી ન હતી અને ઘરેથી સ્‍કૂલે ભણવા આવતી હતી. આ મામલે વિપક્ષોએ વિધાનસભામાં હોબાળો મચાવ્‍યો હતો

બીજાપુર જિલ્‍લામાં આવેલા ગંગાલૂર, સ્‍થિત પોર્ટો કેબિન હાઈસ્‍કૂલની સરકારી ગર્લ્‍સ હોસ્‍ટેલમાં રહીને ભણતી ત્રણ આદિવાસી કિશોરીઓ ગર્ભવતી થયાના અહેવાલ પછી હોબાળો મચ્‍યો હતો. જિલ્‍લા કલેક્‍ટર સંબિત મિશ્રાએ ચાર સભ્‍યોની સમિતિને આ અંગે તપાસ સોંપી હતી. આ મુદ્દે રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ હતી. વિપક્ષ કોંગ્રેસે સરકાર પર આરોપ મૂક્‍યો હતો કે આ ઘટનાની તપાસ કરવાને બદલે આરોપીઓને બચાવવામાં આવ્‍યા ને વિદ્યાર્થિનીઓને ઘરે મોકલી દેવામાં આવી. એ પછી એવું કહેવાયું કે તે હોસ્‍ટેલમાં રહેતી ન હતી. આખા મામલાને દબાવી દેવાનો પ્રયાસ થયો એમ કહીને વિધાનસભામાં વિપક્ષી ધારાસભ્‍યોએ સરકારને ભીંસમાં લીધી હતી.

બીજી તરફ રાજ્‍યના શિક્ષણ મંત્રી ગજેન્‍દ્ર યાદવે બચાવ કર્યો હતો કે જે& વિદ્યાર્થિનીઓ હોસ્‍ટેલમાં ગર્ભવતી થયાનો આરોપ લાગ્‍યો છે એમાંથી બે વિદ્યાર્થિની ૧૨માં છે અને એક ૧૧માં ધોરણમાં છે. બે વિદ્યાર્થિની ઘરેથી સ્‍કૂલે આવતી હતી. હોસ્‍ટેલમાં રહેતી ન હતી. ત્રીજી વિદ્યાર્થિની કે જે ૧૨મા ધોરણમાં ભણે છે તે દિવાળીની રજાઓમાં ઘરે ગઈ પછી પાછી ફરી નથી. શિક્ષણ મંત્રીના આ જવાબ પછી વિપક્ષોએ સૂત્રોચ્‍ચાર કર્યો હતો અને મામલો દબાવી દેવાનો ઉચ્‍ચ સ્‍તરેથી પ્રયાસ થતો હોવાનો આરોપ મૂક્‍યો હતો.

(10:21 AM IST)