<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ટ્રમ્‍પ યુદ્ધ હજુય ચાલુ રાખશે કે જીત જાહેર કરી ઓચિંતુ બધું સમેટી લેશે ?

ત્રીજા અઠવાડિયામાં પ્રવેશેલા યુદ્ધથી શું હાંસલ થયું તે એક મોટો સવાલ, યુદ્ધ પૂરું થયા બાદ બધું સમૂસુતરું થઈ જશે તે પણ ખબર નથી! : અત્‍યારસુધીની લડાઈમાં શું હાંસલ થયું તે અંગે પણ ટ્રમ્‍પ ગોળ-ગોળ વાતો કરી રહ્યા છે પરંતુ યુદ્ધની અસર હવે તેમના ઘરઆંગણે પણ દેખાવાની શરૂ થઈ ગઈ

વોશિંગ્‍ટન,તા.૧૭: ઈરાન વોરને ત્રીજું અઠવાડિયું શરૂ થઈ ચૂક્‍યું છે, જેમ-જેમ આ યુદ્ધ લંબાઈ રહ્યું છે તેમ-તેમ અમેરિકાની મૂંઝવણ પણ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. અત્‍યારસુધીની લડાઈમાં શું હાંસલ થયું તે અંગે પણ ટ્રમ્‍પ ગોળ-ગોળ વાતો કરી રહ્યા છે પરંતુ યુદ્ધની અસર હવે તેમના ઘરઆંગણે પણ દેખાવાની શરૂ થઈ ગઈ છે. ગેસોલીન અને ડીઝલના વધતા ભાવને કારણે મોંઘવારીમાં થઈ રહેલા વધારાની સાથે વ્‍યાજના દરોમાં થઈ રહેલો વધારો અને ક્રુડના સતત વધતા ભાવ અમેરિકા પર પ્રેશર વધારી રહ્યા છે.

અધૂરામાં પૂરું ટ્રમ્‍પે હોર્મુઝની ખાડીને સુરક્ષિત બનાવવા માટે પોતાના સાથી દેશોને આગળ આવવા માટે જે અપીલ કરી હતી તેને પણ કોઈ ખાસ રિસ્‍પોન્‍સ ના મળતા આંતરરાષ્ટ્રીય મંચે અમેરિકાની ઈજ્જતનો કચરો થઈ ગયો હોય તેવી સ્‍થિતિ સર્જાઈ છે.

હવે ટ્રમ્‍પ પાસે બે જ ઓપ્‍શન રહ્યા છે, એક તો ગમે તે ભોગે યુદ્ધ ચાલુ રાખવું અને ઈરાનમાં પોતાના ઓર્ડરનું પાલન કરે તેવી સરકાર બનાવવી કે પછી યુદ્ધમાં પોતાનો વિજય થયો છે તેવી જાહેરાત કરીને આ બલામાંથી પોતાનો પીછો છોડાવવો. જોકે, વિધિની વક્રતા એ છે કે બિલિયન્‍સ ઑફ ડોલર્સનો ધૂમાડો કર્યા બાદ અમેરિકા માટે હવે આ બંનેમાંથી એકેય ઓપ્‍શન પર આગળ વધવું જરાય આસાન નથી રહ્યું.

હવે સમસ્‍યા એ છે કે જો યુદ્ધ ચાલુ રાખવામાં આવે તો તેનો ખર્ચો તો વધતો જ રહેવાનો છે પરંતુ તેનાથી અમેરિકાને કોઈ સીધો ફાયદો થાય તેવું હાલ તો નથી દેખાઈ રહ્યું. અધૂરામાં પૂરું તેમના પોતાના સમર્થકો પણ અમેરિકાએ આ સળગતું લાકડું કેમ પકડી લીધું તેવા સવાલ ઉઠાવી રહ્યા છે અને વર્ષના અંતમાં જે મધ્‍યસત્ર ચૂંટણી આવી રહી છે તેમાં પણ ટ્રમ્‍પને નુક્‍સાન થતું દેખાઈ રહ્યું છે.

જોકે, ટ્રમ્‍પ એ વાતની ક્રેડિટ ચોક્કસ લઈ શકે છે કે અમેરિકાએ ઈરાનની મિસાઈલ ક્ષમતા તેમજ એર ડિફેન્‍સને નેસ્‍તાનાબૂદ કરી દીધા છે અને તેની નેવીનો મોટાભાગનો કાફલો પણ દરિયામાં ગરકાવ થઈ ચૂક્‍યો છે, અમેરિકાએ ઈરાનને જે નુક્‍સાન પહોંચાડ્‍યું છે તેનાથી હવે તે ઘણા વર્ષો સુધી ન્‍યુક્‍લિયર વેપન્‍સ કદાચ નહીં બનાવી શકે અને આ ઉપરાંત ૪૦ વર્ષથી દેશ પર લોખંડી શાસન કરી રહેલા અયતોલ્‍લાહ ખમનેઈ પણ હવે આ દુનિયામાં નથી રહ્યા.

ટ્રમ્‍પને જો ઈરાન વોર સમાપ્ત કરવું હોય તો તેના માટે તેમની પાસે પૂરતા કારણ અથવા બીજા શબ્‍દોમાં કહીએ તો બહાના હાજર છે, પણ આટલેથી આ પ્રકરણ પૂરું નથી થઈ જવાનું કારણકે ઈરાનની સત્તા હવે જુનિયર ખમનેઈના હાથમાં છે અને તે પોતાના પિતાથી પણ વધારે ક્રુર અને ઘાતકી છે. જ્‍યાં સુધી તેનું કોઈ નિરાકરણ ના આવે ત્‍યાં સુધી અમેરિકા માટે આ વોરમાંથી એક્‍ઝિટ લેવી મુશ્‍કેલ છે.

કેટલાક રિપોર્ટ્‍સમાં એવા પણ દાવા કરવામાં આવી રહ્યા છે કે ઈરાન પાસે હજુય એટલું ન્‍યુક્‍લીયર ફયુઅલ છે કે તેમાંથી તે ૧૦ કે તેનાથી પણ વધુ ન્‍યુક્‍લિયર વેપન્‍સ બનાવી શકે છે, ઈરાન પાસે હવે ગુમાવવા માટે કશુંય નથી બચ્‍યું તેવામાં તે પોતાની તમામ ક્ષમતાને કામે લગાડીને જો ન્‍યુક્‍લિયર વેપન્‍સ બનાવવામાં સફળતા રહે તો મિડલઈસ્‍ટમાં ભારે ખાનાખરાબી સર્જાવાનો ડર હંમેશા યથાવત રહેશે. ઈરાન પાસે ન્‍યુક્‍લિયર બોમ્‍બ બનાવવાનો હાલ જે કંઈ સામાન છે તેને ખતમ કરવા માટે અમેરિકાએ પોતાની મિલિટરીને ઈરાનની ધરતી પર મોકલવી પડે તેમ છે.

પરંતુ ૯.૩ કરોડથી પણ વધુની વસ્‍તી ધરાવતા દેશમાં આ પ્રકારની લશ્‍કરી કાર્યવાહી કરવી જરાય આસાન નથી અને જો તેમ છતાંય અમેરિકા આમ કરવાનું રિસ્‍ક લે તો તેને અફઘાનિસ્‍તાન અને ઈરાક પછી ઈરાનમાં પણ અબજો ડોલરના ખર્ચા સાથે ભારે ખુંવારી માટે પણ તૈયાર રહેવું પડશે. ખુદ ટ્રમ્‍પ પણ ઈરાનમાં મિલિટરી મોકલવી કે નહીં તેને લઈને હજુ સુધી ક્‍લીયર નથી, જે દર્શાવે છે કે આ દાવ ખેલવો કેટલો મુશ્‍કેલ છે.

આ વોરમાં અત્‍યારસુધીમાં ૧૩ અમેરિકનના મોત થઈ ગયા છે, અડધો ડઝન જેટલા એરક્રાફટ તૂટી પડ્‍યા છે તેમજ કુલ જાનહાનિનો આંકડો ૨૧૦૦ને પણ પાર પહોંચી ગયો છે, અમેરિકાએ હવે ઈરાનના મેજર શિપિગ પોર્ટ ખર્ગ આયલેન્‍ડ પર પણ હુમલો કર્યા બાદ યુદ્ધ વધારે ખતરનાક બની રહ્યું છે અને સાથે જ ટ્રમ્‍પ મિડલઈસ્‍ટમાં વધુ ૨૫૦૦ સૈનિકો મોકલી રહ્યા છે જ્‍યારે પહેલાથી જ ૫૦ હજાર જેટલા અમેરિકન સૈનિકો ત્‍યાં હાજર છે. જોકે, હવે એવા સવાલ પણ ઉઠાવાઈ રહ્યા છે કે અમેરિકા જેવો દેશ આટલી મથામણ બાદ પણ ઈરાન દ્વારા હોર્મુઝની ખાડીમાં જે ભયનો માહોલ ઉભો કરવામાં આવ્‍યો છે તેને દૂર કેમ નથી કરી શક્‍યો?

અમેરિકાના ડિફેન્‍સ સેક્રેટરી પીટ હેગસેથનું કહેવું છે કે ઈરાન હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પર હુમલો કરવાની જે ધમકીઓ આપી રહ્યું છે તેની કોઈ ખાસ ચિતા કરવાની જરૂર નથી, પરંતુ બીજી તરફ ટ્રમ્‍પે શનિવારે ચીન, ફ્રાંસ, જાપાન, સાઉથ કોરિયા અને બ્રિટનને એવી વિનંતી કરવી પડી હતી કે તેઓ પોતાના યુદ્ધ જહાજોને હોર્મુઝને સિક્‍યોર કરવા માટે રવાના કરે. આ બાબત દર્શાવે છે કે અમેરિકા એકલા હાથે હોર્મુઝને સુરક્ષિત કરી શકે તેમ નથી અને બીજા કોઈ દેશોને આ બબાલમાં પડવામાં કોઈ ખાસ રસ નથી.

(10:24 AM IST)