<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

દુલ્‍હો મંડપમાંથી ગાયબ થયોઃ કન્‍યાપક્ષે આખી જાનને બંધક બનાવી લીધી

ઝારખંડના મજડીહા ગામમાં એક ઘરે શુકવારે સાંજે લગ્નની શરણાઈઓ વાગી રહી હતી, પણ અચાનક જ માહોલ બદલાઈ ગયો

મજડીહા,તા.૧૭: ઝારખંડના મજડીહા ગામમાં એક ઘરે શુકવારે સાંજે લગ્નની શરણાઈઓ વાગી રહી હતી, પણ અચાનક જ માહોલ બદલાઈ ગયો. વાત એમ હતી કે દહેજના લોભી દુલ્‍હાએ જાન લઈને આવ્‍યા પછી મોટી ડિમાન્‍ડ મૂકી. એ પૂરી નહીં થાય તો લગ્ન નહીં કરે એમ કહીને તે મંડપમાંથી જ ગાયબ થઈ ગયો.

અરવિંદકુમાર નામના ભાઈના ઘરે લગ્ન હતાં અને તેમને ત્‍યાં મોહબંદિયા નામના ગામથી જાન આવી હતી. શુક્રવારે રાતે લગ્ન કરવા જાન આવી પહોંચી હતી. જમણવાર પણ પૂરો થવામાં હતો, માત્ર દુલ્‍હા-દુલ્‍હનના ફેરા લેવાના બાકી હતા ત્‍યારે દહેજની ડિમાન્‍ડ પૂરી ન થતાં દુલ્‍હો ગાયબ થઈ ગયો. એ વાતે કન્‍યા પક્ષ એટલો ગુસ્‍સે ભરાયો કે તેમણે જાનમાં આવેલા ત્રીસ-ચાલીસ લોકોને ગામમાં જ બંધક બનાવી દીધા. પોલીસ જ્‍યારે વહેલી સવારે બંધક લોકોને છોડાવવા માટે પહોંચી તો ગામવાળાઓ અને કન્‍યા પક્ષે પહેલાં દુલ્‍હાને પાછો બોલાવવાની ડિમાન્‍ડ કરી.

પોલીસ અને સામાજિક કાર્યકરોની મધ્‍યસ્‍થીથી બંધક જાનૈયાઓને છોડવામાં આવ્‍યા, પરંતુ દુલ્‍હા સામે ફરિયાદ નોંધવામાં આવી. લગ્ન માટે પહેલાં જ છોકરાવાળાએ લાખો રૂપિયા લઈ લીધા છે અને તિલક સમારોહ પછી પણ વધુ પૈસા આપવાનું દબાણ બનાવી રહ્યા હતા.

 

(10:26 AM IST)