<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ઘઉંના કોથળામાં પત્‍નીએ છુપાવ્‍યા હતા ૧૫ લાખના દાગીનાઃ પતિએ ઘઉં વેચી દીધા

ઈમાનદારીની એક એવી કહાની સામે આવી છે, જેણે લોકોના દિલ જીતી લીધા

પાલી  તા.૧૭: રાજસ્‍થાનના પાલી જિલ્‍લામા એક અનાજના વેપારીએ લાખો રૂપિયાના દાગીના મળવા છતાં લાલચ રાખી નહીં અને તેને સુરક્ષિત તેના અસલી માલિકને પરત કરી દીધા.

આ મામલો પાલી જિલ્‍લાથી લગભગ ૩૦ કિમી દૂર ખૈરવા ગામનો છે. અહીં રહેલા અનાજના વેપારી માંગૂ ખાને ગામના ખેડૂત ઘીસારામ ઘાંચી પાસેથી ૧૫ દિવસ પહેલા ઘઉંના બે કોથળા ખરીદ્યા હતા. બંને કોથળાનું વજન લગભગ ૫૦-૫૦ કિલો હતું. તે સમયે કોઈને પણ અંદાજો નહોતો કે આ ઘઉંના કોથળાની અંદર કિમતી દાગીના પણ છુપાયેલા છે

કહેવાય છે કે ખેડૂતની પત્‍નીએ ઘરમાં રાખેલા સોના-ચાંદીના દાગીનાને સુરક્ષિત રાખવા માટે તેમને એક ટિફિનમાં રાખીને ઘઉંના કોથળામાં છુપાવી દીધા હતા. જો કે બાદમાં આ વાત પરિવારને યાદ રહી નહીં અને અજાણતા ઘઉંના કોથળા વેપારીને વેચી દીધા.

જ્‍યારે વેપારી માંગૂ ખાને પોતાની દુકાન પર કોથળા ખોલ્‍યા અને ઘઉં કાઢવાનું શરૂ કર્યું તો તેમાંથી એક ટિફિન મળ્‍યું. આ ટિફિન ખોલીને જોયું તો તેમાં  લાખોની કિંમતના સોના અને ચાંદીના દાગીના હતા.

આટલી મોટી રકમના દાગીના મળવા છતાં માંગૂ ખાને ઈમાનદારીનો રસ્‍તો પસંદ કર્યો. તેમણે તરત ખેડૂત ઘીસારામ ઘાંચીને પોતાની દુકાને બોલાવ્‍યા અને આખા મામલાની જાણકારી આપી. ત્‍યાર બાદ તેમણે તમામ દાગીના સુરક્ષિત રીતે ખેડૂતને પરત સોંપી દીધા. પોતાના દાગીના સુરક્ષિત રીતે પાછા મળતા ખેડૂતની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. તેમણે વેપારીનો આભાર વ્‍યક્‍ત કર્યો અને તેમની ઈમાનદારીના ખૂબ વખાણ કર્યા.

(10:48 AM IST)