હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજ્યસભા ચૂંટણી: બિહારમાં નીતીશ કુમાર સહિત NDAના પાંચેય ઉમેદવારોનો ભવ્ય વિજય, 10 રાજ્યોની 37 બેઠકોના પરિણામો જાહેર
બિહારમાં મહાગઠબંધનમાં ગાબડું પડતા અમરેન્દ્ર ધારી સિંહની હાર, ઓડિશામાં ભાજપની બે બેઠકો પર જીત અને હરિયાણામાં હાઈવોલ્ટેજ ડ્રામા બાદ મોડી રાત્રે પરિણામો જાહેર: સાત રાજ્યોમાં 26 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

નવી દિલ્હી: દેશના 10 રાજ્યોમાં સોમવારે રાજ્યસભાની 37 બેઠકો માટે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ ચૂંટણીમાં સૌથી વધુ આકર્ષણ બિહાર પર હતું, જ્યાં સત્તાધારી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ તમામ પાંચ બેઠકો પર કબ્જો જમાવીને વિરોધ પક્ષોને મોટો આંચકો આપ્યો છે. સાત રાજ્યોમાં ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે બિહાર, ઓડિશા અને હરિયાણામાં મતદાનની જરૂર પડી હતી.
બિહારમાં NDAનું ક્લીન સ્વીપ: મહાગઠબંધનના 4 ધારાસભ્યોની ગેરહાજરી નડી
બિહારની પાંચ બેઠકો માટે થયેલા જંગમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, ઉપેન્દ્ર કુશવાહા, રામનાથ ઠાકુર અને શિવેશ કુમાર વિજેતા જાહેર થયા છે. નીતીશ કુમાર અને નીતિન નવીન બંનેને 44-44 ધારાસભ્યોના મત મળ્યા હતા. જ્યારે ઉપેન્દ્ર કુશવાહા અને રામનાથ ઠાકુરને 42-42 મત પ્રાપ્ત થયા હતા. પાંચમી બેઠક માટે શિવેશ કુમાર અને મહાગઠબંધનના અમરેન્દ્ર ધારી સિંહ વચ્ચે જોરદાર ટક્કર હતી. જોકે, કોંગ્રેસના મનોહર પ્રસાદ, સુરેન્દ્ર કુશવાહા, મનોજ વિશ્વાસ અને આરજેડીના ફૈઝલ રહેમાન એમ કુલ 4 ધારાસભ્યોએ મતદાનથી અંતર જાળવતા એનડીએના શિવેશ કુમારનો વિજય થયો હતો. શિવેશ કુમારને બીજી પસંદગીના મતોના આધારે 4202 વેલ્યુ મળી હતી, જ્યારે અમરેન્દ્ર ધારી સિંહને 3700 વેલ્યુ મળી હતી.
ઓડિશામાં ક્રોસ વોટિંગ અને ભાજપની બેઠકોમાં વધારો:
ઓડિશાની ચાર બેઠકો પર પણ ભારે રાજકીય ખેંચતાણ જોવા મળી હતી. ભાજપે અહીં બે બેઠકો જીતવામાં સફળતા મેળવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનમોહન સામલ અને વર્તમાન સભ્ય સુજીત કુમાર ફરીથી ઉપલા ગૃહમાં પહોંચ્યા છે. આ સિવાય ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર દિલીપ રાયે પણ જીત મેળવી છે. બીજુ જનતા દળ (BJD) અને કોંગ્રેસના અંદાજે આઠ ધારાસભ્યોએ દિલીપ રાયની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. બીજેડી તરફથી સંતૃપ્ત મિશ્રા વિજેતા બન્યા છે.
હરિયાણામાં પાંચ કલાક સુધી મતગણતરી અટકી:
હરિયાણાની બે બેઠકો માટે થયેલી ચૂંટણી વિવાદોમાં રહી હતી. ભાજપ અને કોંગ્રેસે એકબીજાના ધારાસભ્યો દ્વારા મતપત્રની ગુપ્તતા ભંગ કર્યાના આક્ષેપો સાથે ચૂંટણી પંચમાં ધા નાખી હતી. ભાજપે કોંગ્રેસના ધારાસભ્યો પરમવીર સિંહ અને ભરત બેનીવાલ સામે વાંધો ઉઠાવ્યો હતો, જ્યારે કોંગ્રેસે અનિલ વિજ સામે ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચે પરમવીર સિંહનો મત અમાન્ય જાહેર કર્યો હતો, જેના કારણે ગણતરીમાં વિલંબ થયો. અંતે ભાજપના સંજય ભાટિયા અને કોંગ્રેસના કરમવીર સિંહ બૌદ્ધ વિજેતા જાહેર થયા હતા.
અન્ય રાજ્યોના બિનહરીફ પરિણામો:
* હિમાચલ પ્રદેશ (1 બેઠક): અનુરાગ શર્મા (કોંગ્રેસ)
* તેલંગાણા (2 બેઠક): અભિષેક મનુ સિંઘવી અને વેમ નરેન્દ્ર રેડ્ડી (કોંગ્રેસ)
* છત્તીસગઢ (2 બેઠક): લક્ષ્મી વર્મા અને ફૂલો દેવી નેતામ (ભાજપ)
* આસામ (3 બેઠક): જોગેન મોહન (ભાજપ), તેરાશ ગોવાલા (ભાજપ) અને પ્રમોદ બોરો (UPPL)
* તમિલનાડુ (6 બેઠક): તિરૂચિ શિવા (DMK), જે. કોન્સ્ટેન્ટાઇન રવિન્દ્રન (DMK), એમ. થમ્બી દુરઈ (AIADMK), અંબુમણિ રામદાસ (PMK), એમ. ક્રિસ્ટોફર તિલક (કોંગ્રેસ) અને એલ. કે. સુધીશ (DMDK)
* પશ્ચિમ બંગાળ (5 બેઠક): બાબુલ સુપ્રિયો, રાજીવ કુમાર, મેનકા ગુરુસ્વામી, કોયલ મલ્લિક (TMC) અને રાહુલ સિંહા (ભાજપ)
* મહારાષ્ટ્ર (7 બેઠક): વિનોદ તાવડે, રામરાવ વડકુતે, માયા ઈવનાટે (ભાજપ), રામદાસ આઠવલે (RPI), જ્યોતિ વાઘમરે (શિવસેના), પાર્થ પવાર (NCP) અને શરદ પવાર (NCP-SP)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
