News of Tuesday, 17th March 2026
આ લશ્કરી કાર્યવાહી નથીઃ નરસંહાર છે
કાબુલ હોસ્પિટલ હુમલા પર ભારતની પાકિસ્તાનને આકરી ફટકાર : ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર ‘કાયરતાપૂર્ણ અને અમાનવીય' ગણાવી

નવી દિલ્હી, તા.૧૭: કાબુલની ‘ઓમિદ' ડ્રગ રિહેબિલિટેશન હોસ્પિટલ પર ૧૬ માર્ચની રાત્રે પાકિસ્તાને કરેલા ભયાનક હવાઈ હુમલા બાદ ભારતે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને આ હુમલાને ‘બર્બર અને અમાનવીય' ગણાવ્યો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હોસ્પિટલ જેવી નાગરિક સુવિધાને નિશાન બનાવવી એ કોઈ પણ રીતે લશ્કરી કાર્યવાહી ન હોઈ શકે. પાકિસ્તાને પોતાની નિષ્ફળતા છુપાવવા માટે બીમાર દર્દીઓ પર બોમ્બ ફેંકીને જે ક્રૂરતા દાખવી છે, તે કોઈપણ સભ્ય સમાજ માટે શરમજનક છે. આ હુમલામાં ૪૦૮ લોકોના મોત અને ૨૬૫ લોકોના ઘાયલ થવાની ઘટનાએ દક્ષિણ એશિયામાં માનવીય કટોકટી ઉભી કરી છે.
પાકિસ્તાન આ અત્યાચારને ‘ઓપરેશન ગઝબ લિલ હક' હેઠળ લશ્કરી સફળતા ગણાવી રહ્યું છે, પરંતુ ભારતે આ દાવાને પાયાવિહોણો ગણાવી ફગાવી દીધો છે. વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે અને એક મોટા હત્યાકાંડને લશ્કરી સિદ્ધિ તરીકે ‘પેકેજિંગ'કરી રહ્યું છે. ભારતે સવાલ ઉઠાવ્યો છે કે જે કેન્દ્રમાં દર્દીઓની સારવાર થતી હતી, તેને કયા આધારે લશ્કરી લક્ષ્ય માનવામાં આવ્યું? ભારત મુજબ, આ પાકિસ્તાની સેનાની હતાશા છે જે હવે આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરીને નિર્દોષોના જીવ લઈ રહી છે.
આ ઘટના બાદ હવે વૈશ્વિક મંચ પર પાકિસ્તાન અલગપ્રથલગ પડી રહ્યું હોય તેવું જણાય છે. તાલિબાન શાસને પણ આ મામલે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે, ત્યારે ભારતનું આ કડક વલણ પાકિસ્તાન માટે નવી મુસીબત બની શકે છે. ભારતે વિશ્વને અપીલ કરી છે કે આ પ્રકારની હિંસાને ઉશ્કેરણી વગરનું કળત્ય ગણવામાં આવે અને પાકિસ્તાનને તેની જવાબદારી સ્વીકારવા મજબૂર કરવામાં આવે. કાબુલની આ હોસ્પિટલમાં થયેલો નરસંહાર પાકિસ્તાનની છબીને વધુ ખરડશે અને આ વિસ્તારમાં અસ્થિરતાનો નવો દોર શરૂ થવાની પૂરેપૂરી શકયતા છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
