<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

વરુણ ગાંધીએ સપરિવાર PM મોદીની મુલાકાત લીધી

શું ભાજપમાં રાજકીય ‘વનવાસ'નો અંત આવશે? વરુણ ગાંધીએ પીએમને દેશના સાચા વાલી ગણાવ્‍યાઃ મુલાકાતને ‘પિતૃવત સ્‍નેહ' સમાન ગણાવી

નવી દિલ્‍હી તા.૧૭: ભાજપના પૂર્વ સાંસદ વરુણ ગાંધીએ મંગળવારે વડાપ્રધાન મોદી સાથે સપરિવાર મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાજકીય ગલિયારાઓમાં અનેક અટકળો તેજ બની છે. વરુણ ગાંધીએ સોશિયલ મીડિયા પર પત્‍ની અને પુત્રી સાથેની તસવીરો શેર કરી પીએમ મોદીના આશીર્વાદ અને માર્ગદર્શન મેળવ્‍યા હોવાનું જણાવ્‍યું હતું.

લાંબા સમયથી ભાજપમાં સાઈડલાઈન થયેલા વરુણ ગાંધીએ આ મુલાકાત બાદ પીએમ મોદીના ભારોભાર વખાણ કર્યા છે. તેમણે પીએમને દેશના સાચા વાલી ગણાવ્‍યા અને તેમની સાથેની મુલાકાતને પિતૃવત સ્‍નેહ સમાન ગણાવી હતી. વરુણ ગાંધીએ લખ્‍યું કે, પીએમ મોદીના આભામંડળમાં અદભૂત રક્ષણનો ભાવ છે.

રાજકીય વિશ્‍લેષકો આ મુલાકાતને આગામી પヘમિ બંગાળની ચૂંટણીઓ (Elections) સાથે જોડીને જોઈ રહ્યા છે. વરુણ ગાંધીના પત્‍ની મૂળ બંગાળી હોવાથી, ભાજપ બંગાળમાં સત્તા મેળવવા માટે વરુણ ગાંધીનો સ્‍ટાર પ્રચારક (Star Campaigner) તરીકે ઉપયોગ કરી શકે છે.

ટિકિટ કપાઈ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પીલીભીતથી વરુણ ગાંધીની ટિકિટ કાપી નાખી હતી.

માતાની હાર વરુણના માતા મેનકા ગાંધી પણ સુલતાનપુરથી ચૂંટણી હારી ગયા હતા, જેના કારણે ગાંધી પરિવાર અને ભાજપ વચ્‍ચે અંતર (Distance) વધ્‍યું હતું.

સરકારની ટીકાઃ વરુણ ગાંધી અગાઉ અનેક મુદ્દાઓ પર પોતાની જ સરકારની ખુલ્‍લેઆમ ટીકા કરવા માટે જાણીતા હતા.

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, સાથે જ ઓક્‍ટોબરમાં રાજ્‍યસભાની ચૂંટણીઓ  પણ છે. વરુણ ગાંધી જે રીતે પીએમ મોદીના નજીક આવ્‍યા છે, તે જોતા તેમને સંગઠન અથવા સરકારમાં કોઈ મહત્ત્વનું પદ મળી શકે છે. ભાજપની રાષ્ટ્રીય ટીમમાં પણ ફેરબદલની તૈયારીઓ ચાલી રહી હોવાથી વરુણ ગાંધીનું પુનરાગમન નિヘતિ મનાઈ રહ્યું છે.

(3:39 PM IST)