<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

મુંબઈમાં રાંધણ ગેસનો હાહાકાર: ગેસની તંગી વચ્ચે અક્ષય કુમારે આપ્યું 'ખેલાડી' જેવું સોલ્યુશન, પત્ની ટ્વિંકલે મંગાવ્યા 2 ઇન્ડક્શન!

મધ્યપૂર્વના યુદ્ધની અસર મુંબઈના રસોડા સુધી પહોંચી; LPG ની અછત રોકવા પોલીસ સુરક્ષા તૈનાત, હોટેલ ઉદ્યોગ મુશ્કેલીમાં.

મુંબઈ, તા.17: આર્થિક રાજધાની મુંબઈ અત્યારે એક અનોખી કટોકટીનો સામનો કરી રહી છે. મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને સપ્લાય ચેઈનમાં વિક્ષેપને કારણે મુંબઈમાં LPG સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. આ ગંભીર મુદ્દા પર જ્યારે બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમારને સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેણે પોતાના અંદાજમાં એક રસપ્રદ જવાબ આપીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ટ્વિંકલ ખન્નાએ કરી એડવાન્સ તૈયારી
મુંબઈમાં BMC ના એક કાર્યક્રમ દરમિયાન અક્ષય કુમારે ગેસની અછત પર વાત કરતા જણાવ્યું હતું કે, "અત્યાર સુધી તો અમને કોઈ મોટી સમસ્યા નથી નડી, પણ મારી પત્ની (ટ્વિંકલ ખન્ના) એ આગમચેતીના ભાગરૂપે ગઈકાલે જ બે ઇન્ડક્શન કુકટોપનો ઓર્ડર આપી દીધો છે! હવે તે ઘરે પહોંચ્યા છે કે નહીં, તે મારે જોવું પડશે." અક્ષયના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે મુંબઈના સેલેબ્રિટી ઘરોમાં પણ હવે ગેસ સિલિન્ડરના વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક ઇન્ડક્શન અને એર ફ્રાયર્સનો ઉપયોગ વધી રહ્યો છે.
LPG સિલિન્ડર માટે હવે પોલીસ પ્રોટેક્શન!
મુંબઈમાં ગેસની અછત એટલી ગંભીર છે કે મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળે જાહેરાત કરી છે કે હવે LPG ના પરિવહન અને વિતરણ માટે પોલીસ સુરક્ષા આપવામાં આવશે. ગેસના કાળાબજાર રોકવા માટે આ કડક નિર્ણય લેવાયો છે. એટલું જ નહીં, સરકાર હવે વૈકલ્પિક ઇંધણ તરીકે કેરોસીન સપ્લાય કરવાનું પણ વિચારી રહી છે જેથી ગરીબ પરિવારોને રસોઈમાં મુશ્કેલી ન પડે.
હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર માઠી અસર
LPG ની સાથે પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) માં પણ વિક્ષેપ પડતા મુંબઈની ખાણીપીણીની બજારો સૂની પડી રહી છે. ઘણી જાણીતી રેસ્ટોરન્ટ્સે ગેસના અભાવે પોતાની કામગીરી મર્યાદિત કરી દીધી છે અથવા તો કામચલાઉ ધોરણે બંધ કરી દીધી છે. નાના હોટેલ સંચાલકો માટે આ સ્થિતિ 'દૂઝતા પર ડામ' સમાન સાબિત થઈ રહી છે, કારણ કે ઇલેક્ટ્રિક સગડીઓ પર રસોઈ બનાવવી તેમને આર્થિક રીતે પરવડે તેમ નથી.
સ્વચ્છતા અભિયાનમાં અક્ષયનો સાથ
અક્ષય કુમારે ભાજપના નેતા અમિત સાટમ સાથે મળીને 'મુંબઈ ક્લીન લીગ'ની શરૂઆત પણ કરી હતી. જોકે, આખા કાર્યક્રમમાં ગેસની અછત અને અક્ષયનો 'ઇન્ડક્શન પ્લાન' ચર્ચાનો વિષય બન્યો હતો. મુંબઈગરાઓ હવે આશા રાખી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ જલ્દી થાળે પડે અને રસોડામાં ફરીથી ગેસની ફ્લેમ તેજ થાય.

(4:43 PM IST)