News of Tuesday, 17th March 2026
પવિત્ર ગંગામાં ચિકન બિરયાનીની ઉજાણી અને હાડકાં ફેંકવા ભારે પડ્યા: કાશીની ગરિમા લજવતા 14 શખ્સોની ધરપકડ, વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં!
ધાર્મિક લાગણી દુભાવવા બદલ કોતવાલી પોલીસે કરી કડક કાર્યવાહી; બોટ માલિક અને નાવિકના લાઈસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ, હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ

વારાણસી, તા.17: ધર્મ અને આધ્યાત્મિકતાના કેન્દ્ર ગણાતી કાશી નગરીમાં એક અત્યંત શરમજનક અને વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. પવિત્ર ગંગા નદીની મધ્યમાં એક બોટ પર ઇફ્તાર પાર્ટીનું આયોજન કરી માંસાહારી ભોજન (ચિકન બિરયાની) ખાવા અને તેના અવશેષો નદીમાં ફેંકવા બદલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભક્તો અને સ્થાનિક સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેના પગલે પોલીસે તાત્કાલિક દરોડા પાડી ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
સોશિયલ મીડિયા પર વીડિયોથી થયો ખુલાસો
સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થયો. આ વીડિયોમાં કેટલાક યુવકો ગંગા નદીની વચ્ચે બોટ પર બેસીને ઇફ્તાર કરી રહ્યા હતા અને ચિકન બિરયાની ખાતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, ભોજન કર્યા બાદ તેઓએ ચિકનના હાડકાં અને અન્ય કચરો સીધો પવિત્ર ગંગાના જળમાં ફેંકી દીધો હતો. આ વીડિયો જોતા જ ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ના મહાનગર પ્રમુખ રજત જયસ્વાલે કોતવાલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી.
ધાર્મિક લાગણી અને જળ પ્રદૂષણની કલમો હેઠળ કેસ
પોલીસે આ મામલે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ધરપકડ કરાયેલા 14 આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 295A (ધાર્મિક લાગણીઓને ઇરાદાપૂર્વક ઠેસ પહોંચાડવી) અને જળ પ્રદૂષણ નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એસીપી વિજય પ્રતાપ સિંહે જણાવ્યું કે, "માતા ગંગા કરોડો લોકોની આસ્થાનું પ્રતીક છે. નદીની મધ્યમાં આવું કૃત્ય કરવું એ માત્ર પર્યાવરણીય ગુનો નથી, પણ સામાજિક શાંતિ ડહોળવાનો પ્રયાસ છે."
બોટ માલિક સામે પણ ગાજ પડી
માત્ર બિરયાની ખાનારા જ નહીં, પણ જે બોટ પર આ અઘટિત પ્રવૃત્તિ થઈ હતી તેના માલિક અને નાવિક સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ અત્યારે તેમના લાઈસન્સ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે. કાશીના ઘાટ પર સક્રિય વિવિધ સંગઠનોએ માંગ કરી છે કે નાવિકોને કડક સૂચના આપવામાં આવે કે તેઓ પોતાની બોટ પર ધાર્મિક મર્યાદાઓનું ઉલ્લંઘન કરતી કોઈપણ પ્રવૃત્તિને મંજૂરી ન આપે.
આ ઘટના બાદ વારાણસીના ઘાટો પર સુરક્ષા અને દેખરેખ વધારી દેવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આ કૃત્ય કોઈ મોટા ષડયંત્રનો ભાગ હતું કે કેમ.
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
