<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

મુંબઈમાં કાળજું કંપાવતી ઘટના: મુલુંડ સ્ટેશન પર પતિએ પત્નીને ચાલતી લોકલ ટ્રેન નીચે ધક્કો મારી પતાવી દીધી, કમકમાટીભરી હત્યા CCTVમાં કેદ!

કૌટુંબિક ઝઘડાનો કરુણ અંશ; આર્મીમાં ફરજ બજાવતા ભાઈની હાજરીમાં જ બહેને જીવ ગુમાવ્યો, હત્યારો પતિ તેના નાના પુત્ર સાથે સુરતથી ઝડપાયો.

મુંબઈ, તા.17: મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન અને મુલુંડ રેલવે સ્ટેશન એક ભયાનક હત્યાકાંડનું સાક્ષી બન્યું છે. 14 માર્ચના રોજ બનેલી આ ઘટનાએ સમગ્ર મુંબઈને હચમચાવી દીધું છે. એક ઇલેક્ટ્રિશિયન પતિએ નજીવા વૈવાહિક વિવાદમાં પોતાની પત્નીને પ્લેટફોર્મ પર ચાલતી ટ્રેન સામે ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ સમગ્ર ઘટના પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ જોઈને પથ્થર દિલના માણસની આંખમાં પણ આંસુ આવી જાય તેમ છે.
શું હતી સમગ્ર ઘટના?
મૃતક પુષ્પા (36 વર્ષ) અને તેના પતિ રાજુકુમાર ગુપ્તા (42 વર્ષ) વચ્ચે લાંબા સમયથી ઝઘડા ચાલતા હતા. પુષ્પાનો ભાઈ કમલેશ કુમાર ગુપ્તા, જે ભારતીય સેનામાં સૈનિક છે, પોતાની બહેન અને ભાણેજને આ નરક જેવી જિંદગીમાંથી છોડાવીને ઉત્તર પ્રદેશ વતન લઈ જવા આવ્યો હતો. 14 માર્ચે જ્યારે તેઓ વતન જવા નીકળવાના હતા, ત્યારે ફરીથી પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
હત્યારા પતિનું ભયાનક કાવતરું
ઘટનાના દિવસે કમલેશ અને તેનો 15 વર્ષનો ભાણેજ ભૂલથી ઘરે આર્મી આઈડી કાર્ડ ભૂલી ગયા હતા. તેઓ કાર્ડ લેવા પાછા ફર્યા ત્યારે પાપી રાજુકુમારે બંનેને ઘરની અંદર પૂરી દીધા અને પોતે સીધો મુલુંડ સ્ટેશન પહોંચ્યો. ત્યાં પ્લેટફોર્મ નંબર 1 પર ઉભેલી પુષ્પાને કંઈ સમજાય તે પહેલા જ, રાજુકુમારે તેને કાળમુખી લોકલ ટ્રેન સામે ધક્કો મારી દીધો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પુષ્પાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
સુરતથી થઈ ધરપકડ
હત્યા કર્યા બાદ રાજુકુમાર તેના નાના પુત્રને લઈને મુંબઈથી ફરાર થઈ ગયો હતો. કુર્લા જીઆરપી (GRP) એ સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી હતી. આખરે, આરોપી રાજુકુમાર ગુપ્તાની ગુજરાતના સુરત ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (હત્યા) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાઈનો આક્રોશ અને દુઃખ
બહેનને લેવા આવેલા આર્મી જવાન ભાઈએ ક્યારેય વિચાર્યું નહોતું કે તેને તેની બહેનનો મૃતદેહ જોવો પડશે. પાડોશીઓની મદદથી ઘરનો દરવાજો ખોલીને તે બહાર નીકળ્યો ત્યારે તેને ખબર પડી કે નરાધમ પતિએ તેની બહેનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. આ ઘટનાએ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા અને ઘરેલું હિંસાના ગંભીર પાસાઓ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.

(4:44 PM IST)