News of Tuesday, 17th March 2026
બિહારના રાજકારણમાં મોટો ઉલટફેર: નીતિશ કુમારના 'ચાણક્ય' ગણાતા કેસી ત્યાગીએ જેડીયુને રામ-રામ કર્યા, 22 માર્ચની બેઠક પર સૌની નજર!
દાયકાઓ જૂનો સાથ છૂટ્યો: પક્ષની નીતિઓથી નારાજ અનુભવી નેતા હવે ઉત્તર પ્રદેશમાં નવું રાજકીય મેદાન શોધશે; સોશિયલ મીડિયા પર ભાવુક પત્ર લખીને આપી જાણકારી.

નવી દિલ્હી, તા.17: જનતા દળ યુનાઇટેડ (JDU) માટે આજનો દિવસ આંચકાજનક રહ્યો છે. પાર્ટીના સૌથી અનુભવી અને નીતિશ કુમારના અત્યંત નજીકના ગણાતા નેતા કેસી ત્યાગીએ પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાક સમયથી પાર્ટીના વલણ અને પોતાની અવગણનાથી નારાજ ત્યાગીએ આખરે જેડીયુ સાથેનો છેડો ફાડી નાખ્યો છે. સોશિયલ મીડિયા પર પોતાનો રાજીનામું પત્ર શેર કરતા તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે આ સફરમાં આગળ વધશે નહીં.
ભવિષ્યનો પ્લાન: 22 માર્ચ છે મહત્વની
પોતાના આગામી કદમ વિશે માહિતી આપતા કેસી ત્યાગીએ લખ્યું છે કે, "મારા રાજકીય સાથીઓ અને સમર્થકોએ આગામી 22 માર્ચે એક મોટી બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ગંભીર ચર્ચા કરવામાં આવશે." રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચા છે કે કેસી ત્યાગી હવે પોતાના વતન ઉત્તર પ્રદેશના રાજકારણમાં સક્રિય થઈ શકે છે, જ્યાં પશ્ચિમ યુપીમાં તેમનો નોંધપાત્ર પ્રભાવ જોવા મળે છે.
નીતિશ પ્રત્યે આદર, પણ વિચારધારામાં મતભેદ
કેસી ત્યાગીએ પત્રમાં યાદ કર્યું કે કેવી રીતે વર્ષ 2003માં સમતા પાર્ટી અને જનતા દળના વિલીનીકરણ સમયે તેમણે જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે મહાસચિવ તરીકે સેવા આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, "મુખ્યમંત્રી નીતિશ કુમાર પ્રત્યે મારો આદર ક્યારેય ઓછો નહીં થાય," પરંતુ તાજેતરના કેટલાક વિષયો પર તેમના મંતવ્યો પક્ષથી અલગ હતા. ખાસ કરીને બાંગ્લાદેશી ખેલાડીઓ પરનો પ્રતિબંધ અને પેલેસ્ટાઇન મુદ્દે ભારત સરકારના વલણ પર ત્યાગીએ જે ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો, તેનાથી પાર્ટી અને તેમની વચ્ચે અંતર વધી ગયું હતું.
શા માટે પડ્યું ભંગાણ?
નોંધનીય છે કે કેસી ત્યાગીએ જ આ વર્ષે વડાપ્રધાન મોદીને પત્ર લખીને નીતિશ કુમાર માટે 'ભારત રત્ન'ની માંગણી કરી હતી. આમ છતાં, જેડીયુના કેટલાક આંતરિક જૂથો તેમને હાંસિયામાં ધકેલી રહ્યા હોવાની ચર્ચા હતી. પાર્ટીએ તેમના નિવેદનોથી દૂરી બનાવી લીધી હતી, જેનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા હતા કે ત્યાગી હવે જેડીયુમાં લાંબો સમય ટકી શકશે નહીં.
હવે જોવાનું એ રહેશે કે 22 માર્ચની બેઠક બાદ કેસી ત્યાગી કોઈ નવા પક્ષમાં જોડાય છે કે પછી પોતાની અલગ રાજકીય કેડી કંડારે છે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
