હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈદ પહેલા જ રસોડામાં 'મોંઘવારીનો વિસ્ફોટ': ₹1800નું LPG સિલિન્ડર ₹4000માં વેચાતા હાહાકાર, દિલ્હી-લખનૌની ફૂડ સ્ટ્રીટ પરથી વાનગીઓ થઈ ગાયબ!
મધ્યપૂર્વના યુદ્ધની સીધી અસર ભારતના ખાણીપીણી બજાર પર; રમઝાનની પીક સીઝનમાં દુકાનોને લાગ્યા તાળા, લખનૌના પ્રખ્યાત કબાબ હવે ગેસને બદલે કોલસા પર શેકાવા મજબૂર

લખનૌ, તા.17: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને વૈશ્વિક ઉર્જા પુરવઠામાં પડેલા ભંગાણે ભારતના સામાન્ય માણસની થાળીનો સ્વાદ બગાડી નાખ્યો છે. દિલ્હીના ઝાકિર નગરથી લઈને નવાબોના શહેર લખનૌ સુધી અત્યારે LPG સિલિન્ડરની એવી કટોકટી સર્જાઈ છે કે લાખો લોકોની આજીવિકા જોખમમાં મુકાઈ ગઈ છે. ખાસ કરીને રમઝાનના પવિત્ર મહિનામાં અને ઈદના તહેવાર પહેલા જ ગેસના કાળાબજાર અને અછતે શેરી વિક્રેતાઓ અને હોટલ માલિકોની કમર તોડી નાખી છે.
₹1800નું સિલિન્ડર ₹4000માં: કાળાબજારનો કાળો કહેર
દિલ્હીના ઝાકિર નગરમાં ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. જે કોમર્શિયલ સિલિન્ડર પહેલા ₹1800માં મળતું હતું, તે અત્યારે ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના બહાને ₹3500 થી ₹4000ના તોતિંગ ભાવે વેચાઈ રહ્યું છે. ઘણા દુકાનદારોએ ગેસ ન મળવાને કારણે પોતાની દુકાનો બંધ રાખવી પડી છે, તો કોઈએ સંબંધીઓ પાસેથી ઉધાર સિલિન્ડર લઈને માંડ-માંડ રસોડું ચાલુ રાખ્યું છે.
મેનુમાંથી વાનગીઓ ગાયબ, ભાવમાં 25%નો ઉછાળો
મોંઘવારીની અસર એટલી ગંભીર છે કે રેસ્ટોરન્ટ માલિકોએ તેમના મેનુમાંથી કોરમા અને મટન જેવી વધુ ગેસ વાપરતી વાનગીઓ દૂર કરી દીધી છે. દિલ્હીના પોશ સાકેત વિસ્તારમાં જે બિરયાની ₹200માં મળતી હતી તે હવે ₹250માં મળી રહી છે, જ્યારે સમોસા અને તંદૂરી રોટલીના ભાવમાં પણ ₹5 થી ₹8નો વધારો થયો છે. એક સર્વે મુજબ, 57% રેસ્ટોરન્ટ્સે ભાવ વધારો કર્યો છે, જ્યારે કેટલીક હોટલોએ તો બિલમાં અલગથી 'LPG રિવિઝન ફી' ઉમેરવાનું શરૂ કર્યું છે.
ટુંડે કબાબે શોધ્યો દેશી રસ્તો: ગેસને બદલે કોલસો
લખનૌના વિશ્વવિખ્યાત 'ટુંડે કબાબી' (અમીનાબાદ) એ ગેસની અછતનો સામનો કરવા માટે હવે પરંપરાગત કોલસાનો આશરો લીધો છે. બીજી તરફ, દિલ્હીના કરોલ બાગ અને પહાડગંજની જાણીતી હોટલોને ગેસના અભાવે અસ્થાયી રૂપે તાળા મારવાની નોબત આવી છે. ઘણા લોકો હવે ઇલેક્ટ્રિક ઇન્ડક્શન અને રસોઈના અન્ય વૈકલ્પિક સાધનો તરફ વળી રહ્યા છે.
ઈદના ઉત્સાહ પર અછતનું ગ્રહણ
આ અઠવાડિયાના અંતમાં 20 કે 21 માર્ચના રોજ ઈદ અલ-ફિત્રની ઉજવણી થવાની છે, પરંતુ તે પહેલાં જ સર્જાયેલી આ કટોકટીએ બજારનો ઉત્સાહ ઓછો કરી દીધો છે. જો સપ્લાય ચેઈન જલ્દી ઠીક નહીં થાય, તો તહેવારના દિવસે પણ મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં ખાણીપીણીની લિજ્જત માણવી મોંઘી સાબિત થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
