હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ખાડી દેશોમાં યુદ્ધનો કહેર, પણ આ દેશમાં છે 'પરમ શાંતિ': ન કોઈની સાથે દોસ્તી, ન કોઈની સાથે વેર; ભારતીયો માટે સ્વર્ગ સમાન બન્યું ઓમાન!
ભૌગોલિક અને રાજકીય તટસ્થતાની અનોખી મિસાલ: હોર્મુઝની કટોકટી વચ્ચે પણ ઓમાનના બંદરો ધમધમતા રહ્યા, ટેક્સ-ફ્રી સેલેરી અને સુરક્ષિત વાતાવરણને કારણે 8 લાખ ભારતીયોનું બન્યું માનીતું સરનામું.

મસ્કત: વર્તમાન સમયમાં જ્યારે પશ્ચિમ એશિયા અને ખાડીના દેશો મિસાઇલો અને ડ્રોન હુમલાઓથી થથરી રહ્યા છે, ત્યારે 'ઓમાન' એક એવો દેશ સાબિત થયો છે જેના પર યુદ્ધની નહિવત અસર જોવા મળી છે. ઈરાન-ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચેના ભીષણ તણાવ વચ્ચે પણ ઓમાનના લોકો શાંતિથી જીવન જીવી રહ્યા છે. આ દેશની 'તટસ્થતા'ની નીતિ તેને અન્ય આરબ દેશોથી અલગ પાડે છે. ઓમાન ઈરાન સાથે પણ મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે અને પશ્ચિમી દેશો સાથે પણ સંતુલિત વ્યવહાર રાખે છે.
યુદ્ધ વચ્ચે પણ કેમ અડીખમ છે ઓમાન?
જ્યારે સાઉદી અરેબિયા, યુએઈ અને કતાર જેવા દેશો હોર્મુઝની સામુદ્રધુની (Hormuz Strait) બંધ થવાના ડરથી ચિંતિત છે, ત્યારે ઓમાનને તેની ખાસ અસર થતી નથી. તેનું મુખ્ય કારણ એ છે કે ઓમાનના મુખ્ય બંદરો જેવા કે સોહાર, સલાહ અને દુક્રુમ હોર્મુઝની બહાર આવેલા છે. આથી, તેમના જહાજોએ ખાડીના વિવાદિત પાણીમાં પ્રવેશવાની જરૂર પડતી નથી અને તેઓ સીધા ખુલ્લા સમુદ્રમાં અવરજવર કરી શકે છે. અત્યારે તો ઓમાનના બંદરો અન્ય દેશો માટે વૈકલ્પિક હબ બની ગયા છે.
ભારતીયોનો દબદબો: 8 લાખથી વધુ દેશીઓનો વસવાટ
ઓમાનની કુલ 55 લાખની વસ્તીમાં લગભગ 43% વિદેશીઓ છે, જેમાં ભારતીયો સૌથી મોટું જૂથ છે. અંદાજે 7 થી 8 લાખ ભારતીયો અહીં એન્જિનિયરિંગ, આઈટી, હેલ્થકેર અને કન્સ્ટ્રક્શન જેવા ક્ષેત્રોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઓમાનના રાજા (સુલતાન) પણ ભારતીયોને ખૂબ પસંદ કરે છે, અને ગર્વની વાત એ છે કે રાજાના મહેલમાં પણ મોટી સંખ્યામાં ભારતીય સ્ટાફ કાર્યરત છે. ઘણા ભારતીય પરિવારો તો પેઢીઓથી અહીં સ્થાયી થયા છે અને મોટા બિઝનેસ હાઉસ ચલાવે છે.
ટેક્સ-ફ્રી પગાર અને સલામત જીવનશૈલી
વિદેશીઓ માટે ઓમાન આકર્ષણનું કેન્દ્ર હોવાનું મુખ્ય કારણ અહીંની ટેક્સ-ફ્રી સેલેરી છે. અહીં ગુનાખોરીનું પ્રમાણ નહિવત છે અને મહિલાઓ તેમજ વિદેશીઓ માટે આ દેશ અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે. અમેરિકાની સરખામણીએ અહીં રહેવાનો ખર્ચ 36% ઓછો છે. જોકે આ દેશ ખેતી માટે રેતાળ છે, પરંતુ ભારતથી મોટા પાયે અનાજ, દાળ અને ફળોની નિકાસ થતી હોવાથી અહીં ખાદ્ય સુરક્ષા જળવાઈ રહે છે.
ઓમાન હવે તેના 'વિઝન 2040' હેઠળ માત્ર તેલ પર નિર્ભર રહેવાને બદલે અન્ય ક્ષેત્રોમાં પણ પ્રગતિ કરી રહ્યું છે. યુદ્ધના વાદળો વચ્ચે ઓમાનની આ શાંતિ અને પ્રગતિ વિશ્વ માટે એક આશાનું કિરણ બની છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
