<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

પતિ કે પત્નીના ઈન્કમ ટેક્સ રિટર્ન જાણવા માટે હવે RTI હથિયાર નહીં બને: કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, ભરણપોષણના કેસમાં નાણાકીય વિગતોને ગણાવી 'વ્યક્તિગત માહિતી'

વૈવાહિક વિવાદ એ 'જાહેર હિત'નો વિષય નથી: RTI હેઠળ જીવનસાથીની ગુપ્ત વિગતો મેળવવા પર કોર્ટે મૂક્યો પ્રતિબંધ; પત્નીને પતિની આવક જાણવા માટે હવે કોર્ટના કાયદેસરના રસ્તે જવું પડશે.

બેંગલુરુ: પત્ની દ્વારા ભરણપોષણના કેસમાં પતિની સાચી આવક જાણવા માટે અવારનવાર RTI (માહિતી અધિકાર) નો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ કર્ણાટક હાઈકોર્ટે હવે આ રસ્તા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. હાઈકોર્ટની એકલ બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે, કોઈ પણ વ્યક્તિના ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) અને નાણાકીય દસ્તાવેજો તેની 'વ્યક્તિગત માહિતી' છે. જો કોઈ મોટું જાહેર હિત જોડાયેલું ન હોય, તો પતિ કે પત્ની એકબીજાની આ વિગતો RTI હેઠળ માંગી શકે નહીં.
શું હતો સમગ્ર મામલો?
આ કેસમાં એક પત્નીએ ભરણપોષણના દાવાને મજબૂત કરવા માટે તેના પતિના છેલ્લા કેટલાક વર્ષોના આવકવેરા રિટર્નની નકલો આવકવેરા વિભાગ પાસે માંગી હતી. વિભાગે માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન (CIC) એ આ માહિતી આપવાનો આદેશ કર્યો હતો. આ આદેશ વિરુદ્ધ આવકવેરા વિભાગે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. વિભાગની દલીલ હતી કે કરદાતા અને વિભાગ વચ્ચેનો સંબંધ અત્યંત ગોપનીય હોય છે અને જીવનસાથી પણ અહીં 'તૃતીય પક્ષ' (Third Party) ગણાય છે.
વ્યક્તિગત વિવાદ એ જાહેર હિત નથી
જસ્ટિસ સૂરજ ગોવિંદરાજે ચુકાદો આપતા જણાવ્યું કે, ભરણપોષણ મેળવવા માટે પતિની આવક જાણવાની પત્નીની ઈચ્છા સહાનુભૂતિપૂર્ણ હોઈ શકે છે, પરંતુ તે RTI કાયદાની કલમ 8(1)(j) હેઠળના 'મોટા જાહેર હિત'ની વ્યાખ્યામાં આવતી નથી. કોર્ટે ઉમેર્યું કે, RTI નો હેતુ સરકારી કામકાજમાં પારદર્શિતા લાવવાનો છે, નહીં કે ખાનગી કાનૂની વિવાદોમાં દસ્તાવેજો મેળવવાનો.
તો હવે સાચી આવક કેવી રીતે જાણવી?
હાઈકોર્ટે પત્નીઓ માટે વૈકલ્પિક અને કાયદેસરનો માર્ગ પણ સૂચવ્યો છે. કોર્ટે જણાવ્યું કે, જો ભરણપોષણના કેસમાં પતિની આવક જાણવી જરૂરી હોય, તો જે અદાલતમાં કેસ ચાલી રહ્યો છે તે સક્ષમ અદાલત પાસે દસ્તાવેજો મંગાવવાની સત્તા હોય છે. પક્ષકારોએ સીધા જ અદાલતમાં અરજી કરવી જોઈએ અને અદાલત યોગ્ય લાગે તો આવકવેરા વિભાગને તે રેકોર્ડ રજૂ કરવા આદેશ આપી શકે છે.
આ ચુકાદાથી હવે RTI ના દુરુપયોગ પર લગામ આવશે અને વ્યક્તિગત ગોપનીયતા (Privacy) ના અધિકારને વધુ મજબૂતી મળશે. જે પત્નીઓ ભરણપોષણના કેસ લડી રહી છે, તેમણે હવે માહિતી મેળવવા માટે પ્રક્રિયાગત કાયદાઓનો સહારો લેવો પડશે.

(6:19 PM IST)