<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

પ્રેમ અને આશાની જીત: કેરળ હાઈકોર્ટે બ્રેઈન ડેડ પતિના શુક્રાણુ સાચવવા પત્નીને આપી મંજૂરી, વિજ્ઞાન અને કાયદાના સંગમથી નવી આશા જન્મી!

ચિકનપોક્સ બાદ પતિ બ્રેઈન ડેડ જાહેર થતા પત્ની પહોંચી કોર્ટના દ્વારે; વેન્ટિલેટર પર રહેલા પતિના ગેમેટ્સ ક્રાયોપ્રિઝર્વ કરવા 'વચગાળાનો આદેશ', પિતૃત્વના અધિકાર પર હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

કોઝિકો: કેરળ હાઈકોર્ટે તાજેતરમાં એક અત્યંત સંવેદનશીલ કિસ્સામાં મહત્વનો ચુકાદો આપ્યો છે. મગજથી મૃત (Brain Dead) જાહેર કરાયેલા એક વ્યક્તિની પત્નીને તેના પતિના શુક્રાણુ (Gametes) કાઢવા અને તેને ભવિષ્ય માટે સાચવી રાખવાની પરવાનગી આપવામાં આવી છે. જસ્ટિસ એમ.બી. સ્નેહલથાએ આ મામલે માનવીય અભિગમ અપનાવતા હોસ્પિટલને તાત્કાલિક પ્રક્રિયા શરૂ કરવા નિર્દેશ આપ્યો છે.
ચિકનપોક્સથી બ્રેઈન ડેડ સુધીની કરુણ સફર
અરજદાર મહિલાના જણાવ્યા અનુસાર, તેના પતિને બે અઠવાડિયા પહેલા ચિકનપોક્સ થયો હતો, જે બાદ ગંભીર તબીબી જટિલતાઓને કારણે (સેરેબ્રલ વેનસ થ્રોમ્બોસિસ) તેમનું મગજ મૃત્યુ પામ્યું હતું. હાલમાં તે વ્યક્તિ કોઝિકોડની બેબી મેમોરિયલ હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર છે. પત્નીએ કોર્ટને વિનંતી કરી હતી કે તે તેના પતિના અંશ દ્વારા ભવિષ્યમાં માતા બનવા માંગે છે અને જો અત્યારે વિલંબ થશે તો ગેમેટ્સ સાચવવાની તક હંમેશ માટે ગુમાવી દેશે.
કાયદાકીય ગૂંચ અને કોર્ટનો વચગાળાનો આદેશ
સહાયિત પ્રજનન ટેકનોલોજી (ART) એક્ટ, 2021 મુજબ, કોઈપણ પ્રક્રિયા માટે જે-તે વ્યક્તિની લેખિત સંમતિ અનિવાર્ય છે. જોકે, આ કિસ્સામાં પતિ બેભાન અને બ્રેઈન ડેડ હોવાથી સંમતિ મેળવવી અશક્ય હતી. પત્નીની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે માન્ય ART ક્લિનિક દ્વારા શુક્રાણુ કાઢવા અને તેને 'ક્રાયોપ્રિઝર્વ' (ઠારીને સાચવવાની પદ્ધતિ) કરવા માટે મંજૂરી આપી છે.
આગળની પ્રક્રિયા માટે કોર્ટની પરવાનગી જરૂરી
હાઈકોર્ટે આદેશમાં સ્પષ્ટતા કરી છે કે આ માત્ર સેમ્પલ સાચવવા માટેની મંજૂરી છે. ART એક્ટ હેઠળ ગર્ભધારણ અથવા અન્ય કોઈ પણ તબીબી પ્રક્રિયા કરવા માટે પત્નીએ ફરીથી કોર્ટની પરવાનગી લેવી પડશે. કોર્ટે હોસ્પિટલને નિર્દેશ આપ્યો છે કે પ્રક્રિયા કાયદાકીય માર્ગદર્શિકા મુજબ જ કરવામાં આવે.
આ કેસની આગામી સુનાવણી 7 એપ્રિલના રોજ થવાની છે. આ ચુકાદાએ સાબિત કર્યું છે કે વિજ્ઞાનના માધ્યમથી મૃત્યુના આરે ઉભેલા વ્યક્તિના વારસાને સાચવી રાખવા માટે કાયદો પણ સંવેદનશીલ બની શકે છે.

(6:23 PM IST)