હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બંગાળ સંગ્રામ: મમતા બેનર્જી નંદીગ્રામ છોડી ફરી 'ભવાનીપુર'ના શરણમાં : TMCએ ૨૯૧ ઉમેદવારો જાહેર કર્યા
૨૦૨૧ની નંદીગ્રામની હાર બાદ મમતાએ સુરક્ષિત ગઢ પસંદ કર્યો : સુવેન્દુ અધિકારી સામે હાઈવોલ્ટેજ જંગની તૈયારી વચ્ચે અનેક દિગ્ગજોની ટિકિટ કપાઈ

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે રસાકસી વચ્ચે મમતા બેનર્જીએ પોતાની રણનીતિ બદલી છે. તૃણમૂલ કોંગ્રેસે ૨૯૪માંથી ૨૯૧ બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં સૌથી મોટો નિર્ણય મમતા બેનર્જીની બેઠકને લઈને લેવાયો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી આ વખતે નંદીગ્રામને બદલે પોતાની જૂની અને પરંપરાગત બેઠક ભવાનીપુરથી ચૂંટણી લડશે. ભાજપે આ બેઠક પર સુવેન્દુ અધિકારીને મેદાનમાં ઉતારીને સીધી ટક્કર નક્કી કરી દીધી છે. બાકીની ૩ બેઠકો દાર્જિલિંગ હિલ્સના સાથી પક્ષો માટે છોડવામાં આવી છે.
TMCની આ નવી યાદીમાં 'પરિવર્તન'નો સ્પષ્ટ સંકેત જોવા મળ્યો છે. મમતાએ અનેક વર્તમાન ધારાસભ્યો અને મંત્રીઓની ટિકિટ કાપીને યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું છે, જેમાં ક્રિકેટર મનોજ તિવારી જેવા મોટા નામનો પણ સમાવેશ થાય છે. યાદીમાં સામાજિક સંતુલન જાળવવા માટે ૫૨ મહિલાઓ, ૪૭ મુસ્લિમ ઉમેદવારો, ૭૮ અનુસૂચિત જાતિ અને ૧૭ અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે. ૨૦૨૧માં નંદીગ્રામમાં થયેલી નજીવી હારમાંથી પાઠ ભણીને પક્ષે આ વખતે જ્ઞાતિગત સમીકરણો પર વધુ ભાર મૂક્યો છે.
રાજકીય વિશ્લેષકો આ નિર્ણયને મમતા બેનર્જીનો 'સેફ પ્લે' ગણાવી રહ્યા છે. ભવાનીપુર મમતા માટે હંમેશા સુરક્ષિત માનવામાં આવે છે, જ્યારે ભાજપે સુવેન્દુ અધિકારીને બે બેઠકો પર ઉતારીને તૃણમૂલને ઘેરવાની કોશિશ કરી છે. નંદીગ્રામમાં ભાજપ સામે પવિત્રા કરને મેદાનમાં ઉતારીને TMCએ સ્થાનિક લડાઈને ધારદાર બનાવી છે. હવે જોવાનું એ રહેશે કે 'ભદ્રલોક'ના આ જંગમાં મમતાનો આ માસ્ટરસ્ટ્રોક તેમને સતત ચોથીવાર સત્તા અપાવવામાં સફળ રહે છે કે કેમ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
