<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

પુરી સ્ટેશન પર બે મહિનાનો મેગા બ્લોક :ગાંધીધામ અને પુરી વચ્ચે દોડતી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનોના રૂટમાં આંશિક ફેરફાર

આગામી 60 દિવસ સુધી ચાલનારા આ સ્પેશિયલ બ્લોકને કારણે મુસાફરોએ પોતાની મુસાફરીનું આયોજન બદલાયેલા સ્ટેશનો મુજબ કરવાનું રહેશે

ઓડિશાના પુરી રેલવે સ્ટેશન પર આધુનિકીકરણ અને પ્લેટફોર્મ અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના પગલે પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ અને પુરી વચ્ચે દોડતી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનોના રૂટમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યા છે. આગામી 60 દિવસ સુધી ચાલનારા આ સ્પેશિયલ બ્લોકને કારણે મુસાફરોએ પોતાની મુસાફરીનું આયોજન બદલાયેલા સ્ટેશનો મુજબ કરવાનું રહેશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે આ અંગેની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે.

 પૂર્વ તટ રેલવેના ખુર્દા રોડ મંડળ હેઠળ આવતા પુરી સ્ટેશન પર પ્લેટફોર્મના વિકાસ અને માળખાગત સુવિધાઓ સુધારવા માટે 60 દિવસનો લાંબો બ્લોક લેવામાં આવ્યો છે. આ કામગીરી રેલવેની કાર્યક્ષમતા વધારવા માટે અનિવાર્ય હોવાથી કેટલીક ટ્રેનોને નિર્ધારિત સ્ટેશન પહેલાં જ ટર્મિનેટ કરવામાં આવશે અથવા અન્ય સ્ટેશનથી શરૂ કરવામાં આવશે. ગાંધીધામથી ઉપડતી અને પુરી પહોંચતી ટ્રેનો હવે સીધી પુરી સ્ટેશન સુધી નહીં જઈ શકે.

ટ્રેન નંબર 12993 ગાંધીધામ-પુરી એક્સપ્રેસ જે 20 અને 27 માર્ચ, તેમજ એપ્રિલ અને મે મહિનાની વિવિધ તારીખોએ ઉપડશે, તે હવે સાક્ષીગોપાલને બદલે માલતીપાટપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. તેવી જ રીતે, પરત ફરતી ટ્રેન નંબર 12994 પુરી-ગાંધીધામ એક્સપ્રેસ 23 માર્ચથી 11 મે 2026 દરમિયાન પુરીના બદલે માલતીપાટપુર સ્ટેશનથી જ પોતાની મુસાફરી શરૂ કરશે. આ ફેરફારને કારણે મુસાફરોએ માલતીપાટપુર પહોંચવા કે ત્યાંથી ટ્રેન પકડવા માટે અગાઉથી વ્યવસ્થા કરવી પડશે.

ટ્રેન નંબર 22973 ગાંધીધામ-પુરી એક્સપ્રેસ જે 18 માર્ચથી 13 મે 2026 દરમિયાન દોડશે, તેને પણ માલતીપાટપુર સ્ટેશન પર જ ટૂંકાવી દેવામાં આવી છે. આ ટ્રેન હવે સાક્ષીગોપાલ સુધી જશે નહીં. સામા પક્ષે, ટ્રેન નંબર 22974 પુરી-ગાંધીધામ એક્સપ્રેસ 21 માર્ચથી 16 મે 2026 સુધી માલતીપાટપુર સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે. રેલવેના આ નિર્ણયથી મુસાફરોએ પુરી મુખ્ય સ્ટેશનના બદલે માલતીપાટપુરનો ઉપયોગ કરવાનો રહેશે.

 

રેલવે વિભાગે તમામ મુસાફરોને નમ્ર વિનંતી કરી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનના સમય અને સ્ટેશનના સ્ટોપેજ વિશે સચોટ માહિતી મેળવી લે. ટ્રેનની સંરચના અને અન્ય ટેકનિકલ ફેરફારોની વધુ વિગત માટે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી હિતાવહ છે. સ્ટેશન પર થતી આ કામગીરી ભવિષ્યમાં મુસાફરોને વધુ સારી સુવિધા પૂરી પાડવા માટે કરવામાં આવી રહી છે, તેથી રેલવે તંત્રએ સહકારની અપેક્ષા વ્યક્ષ કરી છે

(6:57 PM IST)