News of Tuesday, 17th March 2026
દિલ્હીના રસ્તાઓ હવે 'બોલશે': દ્રષ્ટિહીન અને વૃદ્ધો માટે ટ્રાફિક સિગ્નલો પર લાગશે ખાસ ઓડિયો સિસ્ટમ
વિદેશી દેશોની તર્જ પર રાજધાનીના ચોક પર પક્ષીઓના અવાજ અને મધુર ધૂન સંભળાશે : સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ LG ને પત્ર લખી AIIMS ના રિપોર્ટનો આપ્યો હવાલો

નવી દિલ્હી: ભારતની રાજધાની દિલ્હીના રસ્તાઓ હવે વધુ સ્માર્ટ અને માનવીય બનવા જઈ રહ્યા છે. દિલ્હી વિધાનસભાના સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ લેફ્ટનન્ટ ગવર્નર ને એક મહત્વકાંક્ષી પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં શહેરના મુખ્ય ટ્રાફિક સિગ્નલો પર 'શ્રાવ્ય સિગ્નલો' લગાવવાની માંગ કરવામાં આવી છે. આ ટેકનોલોજી ખાસ કરીને દ્રષ્ટિહીન વ્યક્તિઓ અને વૃદ્ધોને કોઈ પણ મદદ વગર સુરક્ષિત રીતે રસ્તો ઓળંગવામાં મદદ કરશે. AIIMS ના સંશોધન મુજબ દિલ્હીમાં અંદાજે ૧૨ થી ૧૮ લાખ લોકો દ્રષ્ટિની સમસ્યાથી પીડાય છે, જેને ધ્યાનમાં રાખીને આ ઐતિહાસિક નિર્ણય લેવાની દિશામાં કવાયત શરૂ કરવામાં આવી છે.
આ પ્રસ્તાવ મુજબ, દિલ્હીના વ્યસ્ત ચાર રસ્તાઓ પર હવે માત્ર લાલ-લીલી લાઈટો જ નહીં, પણ ખાસ પ્રકારના અવાજો પણ સંભળાશે. જાપાન જેવા વિકસિત દેશોમાં વપરાતી પદ્ધતિ મુજબ, રસ્તો ક્રોસ કરવો ક્યારે સલામત છે તે દર્શાવવા માટે પક્ષીઓના કલરવ અથવા હળવી સંગીતની ધૂનનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે સિગ્નલ બદલાશે ત્યારે બીપ કે ટિકિંગ અવાજ દ્વારા રાહદારીઓને સાવચેત કરવામાં આવશે. આ પહેલથી માત્ર અકસ્માતોની સંખ્યામાં ઘટાડો નહીં થાય, પરંતુ દિલ્હી વિશ્વના એવા ગણ્યાગાંઠ્યા શહેરોમાં સામેલ થશે જ્યાં જાહેર સુવિધાઓ દિવ્યાંગો માટે સંપૂર્ણપણે સુલભ છે.
વિજેન્દ્ર ગુપ્તાએ તેમના પત્રમાં અમેરિકા, યુકે, સિંગાપોર અને કેનેડા જેવા દેશોનું ઉદાહરણ આપતા જણાવ્યું છે કે આ સિસ્ટમ ત્યાં વર્ષોથી સફળતાપૂર્વક કાર્યરત છે. દિલ્હીના રસ્તાઓ પર ટ્રાફિકની ભારે ગીચતા અને અવાજ પ્રદૂષણ વચ્ચે દ્રષ્ટિહીન લોકો માટે રસ્તો ક્રોસ કરવો જીવલેણ સાબિત થઈ શકે છે, ત્યારે ઓડિયો સિગ્નલ તેમના માટે 'ત્રીજી આંખ' સમાન કામ કરશે. સ્પીકરે આ પ્રોજેક્ટને પ્રાથમિકતાના ધોરણે અમલમાં મૂકવાની અપીલ કરી છે, જેથી દિલ્હીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સમાવિષ્ટ અને સુરક્ષિત બનાવી શકાય.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
