<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

બોલિવૂડમાં 'અશ્લીલતા' સામે સરકાર લાલઘૂમ: સંજય દત્ત-નોરા ફતેહીના ગીત પર સેન્સર બોર્ડની તલવાર

ફિલ્મ 'KD: The Devil' ના વિવાદિત ગીતને તમામ પ્લેટફોર્મ પરથી હટાવવા આદેશ: પ્રિયાંક કાનુન્ગોએ સેન્સર બોર્ડને ખખડાવતા કહ્યું- "આ ગંદકી સમાજને બરબાદ કરી રહી છે"

મુંબઈ:  બોલિવૂડની આગામી ફિલ્મ 'KD: The Devil' ના એક ગીતે દેશભરમાં નૈતિકતા અને સેન્સરશિપના મુદ્દે મોટી ચર્ચા જગાડી છે. અભિનેતા સંજય દત્ત અને ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી પર ફિલ્માવાયેલા આ ગીતને સરકારે અત્યંત 'અશ્લીલ' ગણાવી સેન્સર બોર્ડ ને આકરી ફટકાર લગાવી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ મામલે કડક વલણ અપનાવતા નિર્દેશ આપ્યો છે કે તમામ ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ ગીત તાત્કાલિક અસરથી હટાવવામાં આવે. સરકારના આ આક્રમક મૂડથી બોલિવૂડમાં ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે હવે ફિલ્મ પ્રમાણપત્રના નિયમોમાં પણ મોટા ફેરફાર થવાના સંકેત મળી રહ્યા છે.

આ વિવાદમાં NHRC ના સભ્ય પ્રિયાંક કાનુન્ગોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કડક શબ્દોમાં પ્રહારો કર્યા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે કયો શિષ્ટ પરિવાર આવા ગીતો સાથે બેસીને જોઈ શકે? કાનુન્ગોએ બોલિવૂડની નૈતિકતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ફિલ્મ ઉદ્યોગ પાસેથી તો કોઈ અપેક્ષા નથી, પરંતુ સેન્સર બોર્ડ જેવી જવાબદાર સંસ્થા જ્યારે આવી અશ્લીલતાને 'લાઈસન્સ' આપે છે ત્યારે તે શરમજનક બની જાય છે. તેમણે આ પ્રકારની સામગ્રીને માનસિક વિકાર ગણાવી પેઢીઓને બરબાદ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. આ મામલે હવે કાયદેસરની નોટિસ પણ જારી કરવામાં આવી છે, જે નિર્માતાઓ માટે મુશ્કેલી વધારી શકે છે.

બીજી તરફ, કાનૂની મોરચે પણ આ ગીત સામે સંકટના વાદળો ઘેરાયા છે. એડવોકેટ જહાંઆરા ખાને મુંબઈના મીરા રોડ પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. નોંધાવી છે, જેમાં આરોપ લગાવ્યો છે કે ગીતના દ્રશ્યો અને શબ્દો મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડનારા છે. 'ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને' પણ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ગીતમાં વપરાયેલા બેવડા અર્થવાળા શબ્દો સામે વાંધો ઉઠાવ્યો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૯ હેઠળ કાર્યવાહીની માંગણી સાથે હવે આ વિવાદ માત્ર ફિલ્મી રહ્યો નથી, પણ સામાજિક ગરિમા અને કાયદાકીય લડાઈનો વિષય બની ગયો છે.

(7:11 PM IST)