<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

તમામ LPG ગ્રાહકો માટે બાયોમેટ્રિક e-KYC ફરજિયાત નથી : સિલિન્ડરના સપ્લાય પર અસર પડશે નહીં: સરકારની સ્પષ્ટતા

આ પ્રક્રિયા માત્ર એવા ગ્રાહકો માટે છે જેમણે હજુ સુધી એક પણ વાર ઓથેન્ટિકેશન પૂર્ણ કર્યું નથી: સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર સરકારે મૂક્યું પૂર્ણવિરામ: માત્ર ઉજ્જવલા યોજનાના બાકી રહેલા ગ્રાહકો માટે જ પ્રક્રિયા જરૂરી

નવી દિલ્હી :સોશિયલ મીડિયા પર LPG સિલિન્ડરના ગ્રાહકો માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત હોવાના દાવાઓ બાદ કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે સ્થિતિ સ્પષ્ટ કરી છે. મંત્રાલયે જણાવ્યું છે કે તમામ ગ્રાહકોએ e-KYC કરાવવાની જરૂર નથી, જે અંગે હાલમાં મોટો ભ્રમ ફેલાયો છે.

 

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયા માત્ર એવા ગ્રાહકો માટે છે જેમણે હજુ સુધી એક પણ વાર ઓથેન્ટિકેશન પૂર્ણ કર્યું નથી. ખાસ કરીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ના લાભાર્થીઓ માટે આ નિયમ મર્યાદિત છે. ઉજ્જવલા યોજનાના ગ્રાહકોએ વર્ષમાં માત્ર એક જ વાર આ પ્રક્રિયા કરવાની હોય છે, તે પણ જ્યારે તેઓ 7 સિલિન્ડર લીધા બાદ 8માં કે 9માં રિફિલ પર સબસિડી  મેળવવા માંગતા હોય.

 

ગ્રાહકોમાં ફેલાયેલા ડરને દૂર કરતા મંત્રાલયે ઉમેર્યું કે e-KYC માટે ગેસ ડીલર પાસે જઈને લાંબી લાઈનોમાં ઉભા રહેવાની જરૂર નથી. આ પ્રક્રિયા ઘરે બેઠા મોબાઈલ એપ દ્વારા નિઃશુલ્ક કરી શકાય છે. વધુમાં, સરકારે ખાતરી આપી છે કે e-KYC ની પ્રક્રિયાને કારણે ગેસના સપ્લાય પર કોઈ અસર પડશે નહીં. સિલિન્ડરની ડિલિવરી રાબેતા મુજબ ચાલુ રહેશે.

 

આધાર આધારિત e-KYC લાવવાનો મુખ્ય હેતુ ગેસ વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવાનો છે. આનાથી નકલી લાભાર્થીઓને દૂર કરી શકાય છે અને ગેસ સિલિન્ડરના ગેરકાયદે વેચાણ પર રોક લગાવી શકાય છે, જેથી સબસિડીનો લાભ સીધો જ સાચા અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકે.

(7:21 PM IST)