News of Tuesday, 17th March 2026
ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનીની ગર્જના: "યુદ્ધવિરામ ભૂલી જાવ, હવે અમે અમેરિકા-ઈઝરાયેલ પાસેથી લોહીનો બદલો લઈશું"
પિતા અલી ખામેનીના મૃત્યુ અને શહીદોના લોહીનો બદલો લેવા મોજતબાનો રૌદ્ર અવતાર: ઘાયલ હોવાની અટકળો વચ્ચે રશિયામાં સારવાર અને દુશ્મન દેશોની સંપત્તિ જપ્ત કરવાની આપી કઠોર ચેતવણી

તેહરાન : પશ્ચિમ એશિયામાં સર્જાયેલા મહાયુદ્ધના વમળ વચ્ચે ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે મોજતબા ખામેનીએ સત્તા સંભાળતાની સાથે જ વિશ્વભરમાં હલચલ મચાવી દીધી છે. બે મધ્યસ્થી દેશો દ્વારા મોકલવામાં આવેલા યુદ્ધવિરામના પ્રસ્તાવોને કચરાપેટીમાં નાખીને મોજતબાએ અત્યંત કઠોર વલણ અપનાવ્યું છે. પોતાની પ્રથમ વિદેશ નીતિની બેઠકમાં તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન હવે રક્ષણાત્મક નહીં પણ આક્રમક ભૂમિકામાં રહેશે. ખામેનીએ પ્રતિજ્ઞા લીધી છે કે તેમના પિતા આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુ અને ઈરાની નાગરિકોના લોહીના દરેક ટીપાનો હિસાબ અમેરિકા અને ઈઝરાયેલ પાસેથી લેવામાં આવશે.
મોજતબા ખામેનીનો આ 'મજબૂત સંદેશ' માત્ર ધમકી પૂરતો સીમિત નથી, પરંતુ તેમણે આર્થિક બદલાની વ્યૂહરચના પણ જાહેર કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો દુશ્મન દેશો યુદ્ધના નુકસાનનું વળતર નહીં ચૂકવે, તો ઈરાન આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની સંપત્તિઓ જપ્ત કરશે અથવા તે જ હદ સુધી વિનાશ વેરશે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા મુજબ, મોજતબાનું આ વલણ અગાઉના શાસકો કરતા વધુ કટ્ટર અને ગંભીર જણાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, "શહીદોના લોહીનો બદલો લેવો એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે તે માટે અમારી તમામ લશ્કરી શક્તિનો ઉપયોગ કરતા અચકાઈશું નહીં."
જોકે, આ આક્રમક નિવેદનોની બીજી બાજુ મોજતબાના સ્વાસ્થ્ય અંગેનો રહસ્યમય પડદો હજુ પણ યથાવત છે. કુવૈતી અખબાર 'અલ-જરિદા' ના સનસનાટીભર્યા અહેવાલ મુજબ, ૨૮ ફેબ્રુઆરીના હવાઈ હુમલામાં મોજતબા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હાલમાં રશિયન પ્રમુખ પુતિનની મદદથી મોસ્કોમાં સારવાર હેઠળ છે. ઈઝરાયેલના વિદેશ મંત્રીએ કટાક્ષ કર્યો છે કે ઈરાનના નવા નેતા કોમામાં છે અને ઘણા દિવસોથી દેખાયા નથી, જે તેહરાન માટે મોટી શરમની વાત છે. હવે જોવાનું એ રહેશે કે મોજતબા ખામેની જાહેર મંચ પર આવીને આ અટકળોનો અંત લાવે છે કે પછી રશિયાના ટેકાથી પડદા પાછળ રહીને પશ્ચિમી દેશો સામે નવો મોરચો ખોલે છે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
