<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ગેસ સિલિન્ડરની અછતની અફવા ફેલાવનારાઓ સાવધાન: સરકારે દેશભરમાં ૧૨,૦૦૦ સ્થળોએ દરોડા પાડી ૧૫,૦૦૦ સિલિન્ડર જપ્ત કર્યા

પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે 'પેનિક બુકિંગ' વધતા પેટ્રોલિયમ મંત્રાલય એક્શનમાં: બિહારથી ગુજરાત સુધી સંગ્રહખોરો સામે લાલ આંખ

નવી દિલ્હી:  અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેડાયેલા યુદ્ધની ભીતિ વચ્ચે ભારતમાં એલપીજી  ગેસની અછત સર્જાશે તેવી અફવાઓએ જોર પકડ્યું છે. આ અફવાઓને કારણે ઉભી થયેલી 'પેનિક બુકિંગ'ની સ્થિતિ અને સંગ્રહખોરી સામે કેન્દ્ર સરકારે હવે કડક મિટ માંડી છે. પેટ્રોલિયમ મંત્રાલયે મંગળવારે સત્તાવાર જાહેરાત કરી હતી કે દેશભરમાં શંકાસ્પદ ગોડાઉનો અને એજન્સીઓ પર ૧૨,૦૦૦ થી વધુ દરોડા પાડવામાં આવ્યા છે. આ ઓપરેશન દરમિયાન ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરવામાં આવેલા ૧૫,૦૦૦ થી વધુ સિલિન્ડરો જપ્ત કરવામાં આવ્યા છે. સરકારનો દાવો છે કે સપ્લાય ચેઈનમાં કોઈ અવરોધ નથી, પરંતુ ગભરાટમાં આવીને ગ્રાહકો દ્વારા કરવામાં આવતા બિનજરૂરી એડવાન્સ બુકિંગને કારણે માંગમાં કૃત્રિમ ઉછાળો જોવા મળી રહ્યો છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પરિસ્થિતિની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે માત્ર સોમવારે જ ગભરાટના કારણે ૭૦,૦૦૦ વધારાના બુકિંગ નોંધાયા હતા. તેમણે ગ્રાહકોને અપીલ કરી છે કે જરૂરિયાત મુજબ જ ગેસ બુક કરાવે અને અફવાઓથી દૂર રહે. ગ્રાહકોને સુવિધા આપવા અને પારદર્શિતા વધારવા માટે ડિજિટલ બુકિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે, જે અત્યારે ૯૪ ટકા સુધી પહોંચી ગયું છે. સાવચેતીના ભાગરૂપે ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી સહિતના અનેક રાજ્યોએ હાલ પૂરતો બિન-ઘરેલુ (કોમર્શિયલ) ગેસનો ઉપયોગ મર્યાદિત કરીને ઘરેલુ વપરાશ માટે પુરવઠો અનામત રાખવાની સૂચનાઓ જારી કરી છે.

દરમિયાન, શિપિંગ મંત્રાલયે પણ રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં તણાવ હોવા છતાં ભારતીય જહાજો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણ સુરક્ષિત છે. મંગળવારે વહેલી સવારે એલપીજીનો જંગી જથ્થો લઈને 'નંદા દેવી' નામનું જહાજ ગુજરાતના કંડલા બંદરે સલામત રીતે પહોંચી ગયું છે, જે સાબિત કરે છે કે ભારતની ઉર્જા સુરક્ષા જોખમમાં નથી. આ ઉપરાંત, ગલ્ફ દેશોમાં ફસાયેલા ૧૬૧ ભારતીય નાગરિકોને છેલ્લા ૨૪ કલાકમાં સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. સરકારના આ આક્રમક પગલાં અને પુરવઠાની ખાતરી બાદ આગામી દિવસોમાં ગેસ વિતરણ વ્યવસ્થા સામાન્ય થવાની આશા છે.

(7:58 PM IST)