<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ગૂગલની બમ્પર ઓફર: વિદ્યાર્થીઓને વોશિંગ્ટન ડીસીમાં કામ કરવા સાથે ₹11 લાખ જીતવાની તક

'ગૂગલ પબ્લિક પોલિસી ફેલોશિપ ૨૦૨૬' માટે રજીસ્ટ્રેશન શરૂ; ટેકનોલોજી અને ઈન્ટરનેટ પોલિસીમાં રસ ધરાવતા સ્નાતક અને પીએચડીના વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન ચાન્સ

નવી દિલ્હી : જો તમે વિદ્યાર્થી છો અને વિશ્વની સૌથી મોટી ટેક કંપની ગૂગલ સાથે કામ કરવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે એક શાનદાર તક આવી ગઈ છે. ગૂગલે તેની પ્રતિષ્ઠિત "સમર ૨૦૨૬ પબ્લિક પોલિસી ફેલોશિપ" કાર્યક્રમની જાહેરાત કરી છે. આ ફેલોશિપ હેઠળ પસંદ થયેલા વિદ્યાર્થીઓને અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અગ્રણી નીતિ નિર્માતાઓ સાથે રહીને ઈન્ટરનેટ ગવર્નન્સ, સાયબર સિક્યુરિટી અને ડિજિટલ રેગ્યુલેશન જેવા મહત્વના વિષયો પર કામ કરવાની તક મળશે. આ પ્રોગ્રામ માત્ર અનુભવ જ નહીં, પરંતુ તગડું આર્થિક વળતર પણ આપે છે, જે ભારતીય વિદ્યાર્થીઓ માટે કારકિર્દીનો નવો માર્ગ ખોલી શકે છે.

આ ફેલોશિપની સૌથી આકર્ષક બાબત તેનું સ્ટાઈપેન્ડ છે. જો તમે પૂર્ણ-સમય (અઠવાડિયાના ૪૦ કલાક) કામ કરો છો, તો તમને ૧૨,૦૦૦ અમેરિકી ડોલર એટલે કે આશરે ₹૧૦ લાખ (વર્તમાન વિનિમય દર મુજબ) નું સ્ટાઈપેન્ડ મળશે. જે વિદ્યાર્થીઓ અંશકાલિક (અઠવાડિયાના ૨૦ કલાક) જોડાવા માંગતા હોય તેમને ૬,૦૦૦ ડોલર (આશરે ₹૫ લાખ) આપવામાં આવશે. આ રકમ હોસ્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા ચૂકવવામાં આવશે. ગૂગલ આ ફેલોશિપ દ્વારા એવા યુવાનોને તૈયાર કરવા માંગે છે જે ભવિષ્યમાં ટેકનોલોજી અને જાહેર નીતિ (Public Policy) વચ્ચે સેતુ બની શકે.

અરજી કરવા માટે વિદ્યાર્થીએ કોઈ પણ માન્ય સંસ્થામાં સ્નાતક ,  અનુસ્નાતક  અથવા પીએચડી માં અભ્યાસ કરતો હોવો જોઈએ અથવા ૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ સુધીમાં પ્રવેશ મેળવી લીધો હોવો જોઈએ. ઉમેદવારની ઉંમર ૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં ઓછામાં ઓછી ૧૮ વર્ષ હોવી જોઈએ. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પણ આમાં ભાગ લઈ શકે છે, પરંતુ તેમની પાસે અમેરિકામાં કામ કરવાની કાનૂની મંજૂરીહોવી જરૂરી છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ ૯ એપ્રિલ, ૨૦૨૬ સુધીમાં ગૂગલના સત્તાવાર પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

(8:10 PM IST)