હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તમારા પૂર્વજોની મહેનતની કમાણી ક્યાંક બેંકોમાં તો નથી ફસાઈ? મૃત્યુ બાદ બિનવારસી પડેલા ₹1 લાખ કરોડ મુદ્દે સુપ્રીમ કોર્ટ કડક; કેન્દ્ર અને RBI પાસે માંગ્યો જવાબ!
નાણાકીય પત્રકાર સુચેતા દલાલની અરજી પર સુપ્રીમ કોર્ટની સુનાવણી: વારસદારોને પૈસા શોધવા માટે કેન્દ્રિય સિસ્ટમ બનાવવાની માંગ; કોર્ટે 'હાઉસફુલ 4' ફિલ્મનો ઉલ્લેખ કરી છેતરપિંડી અંગે વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હી : કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના બેંક ખાતા, શેરબજાર કે વીમા કંપનીઓમાં પડેલા પૈસાનું શું થાય છે? આ એક એવો પ્રશ્ન છે જે ઘણા પરિવારો માટે મુશ્કેલીનો વિષય બને છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ ગંભીર મુદ્દે સુનાવણી કરતા કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસેથી ચાર અઠવાડિયામાં નવા સોગંદનામા માંગ્યા છે. નાણાકીય પત્રકાર સુચેતા દલાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે મૃતક વ્યક્તિના વારસદારો તેમની સંપત્તિ સરળતાથી શોધી શકે તે માટે એક કેન્દ્રિય સિસ્ટમ હોવી જોઈએ.
₹1,00,000 કરોડથી વધુ રકમ બિનવારસી
સુનાવણી દરમિયાન એડવોકેટ પ્રશાંત ભૂષણે ચોંકાવનારી રજૂઆત કરી હતી કે હાલમાં ડિપોઝિટર્સ એજ્યુકેશન, ઇન્વેસ્ટર પ્રોટેક્શન અને સિનિયર સિટિઝન્સ વેલ્ફેર જેવા વિવિધ સરકારી ભંડોળમાં ₹1 લાખ કરોડથી વધુની રકમ દાવો કર્યા વગર પડી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે વારસદારો પાસે એ જાણવાનો કોઈ રસ્તો નથી કે તેમના પિતા કે સંબંધીઓએ કઈ બેંકમાં કેટલા ખાતા ખોલાવ્યા હતા કે ક્યાં રોકાણ કર્યું હતું. તેમણે એક એકીકૃત ડેટાબેઝ બનાવવાની માંગ કરી છે.
કોર્ટે આપી 'હાઉસફુલ 4' ની ચેતવણી
ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે કેન્દ્રિય ડેટાબેઝના વિચાર સાથે સહમત થતાની સાથે જ તેના દુરુપયોગ અંગે ચેતવણી આપી હતી. કોર્ટે ટિપ્પણી કરી કે, "જો આ પ્રકારનો ડેટા સાર્વજનિક કરવામાં આવે, તો છેતરપિંડી કરનારાઓની આખી ટોળકી ઉભી થશે જે ખોટા દાવા કરવાનું શરૂ કરશે. શું તમે 'હાઉસફુલ 4' ફિલ્મ જોઈ છે? તેમાં જેવું થાય છે તેવું જ અહીં થશે." કોર્ટે ભારપૂર્વક કહ્યું કે યોગ્ય ચકાસણી વગર પૈસા મુક્ત કરવા જોખમી સાબિત થઈ શકે છે.
RBI અને કેન્દ્રનો પક્ષ
ભારતીય રિઝર્વ બેંકે કોર્ટમાં જણાવ્યું કે હાલમાં કેવાયસી (KYC) અને નોમિનેશન જેવી પ્રક્રિયાઓ અમલમાં છે જ. બેંકો હવે નોમિનીનું નામ આપવાનો આગ્રહ રાખે છે અને જો બેંક અધિકારી સંતુષ્ટ ન હોય, તો માત્ર વળતર બોન્ડના આધારે પૈસા આપી શકાતા નથી. બીજી તરફ, કેન્દ્ર સરકારે આ મુદ્દાને નીતિગત નિર્ણય ગણાવ્યો છે અને ટૂંક સમયમાં નવો જવાબ રજૂ કરવાની ખાતરી આપી છે.
હવે આ મામલાની વધુ સુનાવણી 5 મે ના રોજ હાથ ધરવામાં આવશે. આ ચુકાદો લાખો એવા પરિવારો માટે આશાનું કિરણ બની શકે છે જેઓ તેમના સ્વજનોની જમાપુંજી મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
