<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

બિલ્કીસ બાનો કેસ : આજીવન કેદની સજા સામે દોષિત બિપિનચંદ્ર જોષી અને પ્રદીપ મોઢિયાની અપીલ પર સુપ્રીમ કોર્ટે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારને નોટિસ ફટકારી

બોમ્બે હાઈકોર્ટના ૨૦૧૭ના ચુકાદાને પડકારતી અરજી પર મે ૨૦૨૬માં વધુ સુનાવણી હાથ ધરાશે : ૨૦૦૨ના રમખાણોમાં સામૂહિક બળાત્કાર અને હત્યાના ગુનામાં ૧૧ દોષિતો પૈકીના બે અરજદારોએ સજા રદ કરવા સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવ્યા

નવી દિલ્હી:બિલ્કીસ બાનો કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા બે દોષિતો, બિપિનચંદ્ર કનૈયાલાલ જોષી અને પ્રદીપ રમણલાલ મોઢિયાની અપીલ પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી. જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ વિજય બિશ્નોઈની ખંડપીઠે આ મામલે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારને નોટિસ પાઠવી છે. આ સ્પેશિયલ લીવ પિટિશન (SLP) પર આગામી ૫ મે, ૨૦૨૬ના રોજ સુનાવણી નક્કી કરવામાં આવી છે. બંને દોષિતોએ ૪ મે, ૨૦૧૭ના રોજ બોમ્બે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને પડકાર્યો છે, જેમાં તેમની સજા યથાવત રાખવામાં આવી હતી.

બોમ્બે હાઈકોર્ટે સજા યથાવત રાખી હતી:
ઉલ્લેખનીય છે કે, ટ્રાયલ કોર્ટે બિપિનચંદ્ર જોષી અને પ્રદીપ મોઢિયા સહિતના ૧૧ આરોપીઓને હત્યા, રમખાણો અને સામૂહિક બળાત્કારના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. આ સજા સામે કરવામાં આવેલી અપીલમાં બોમ્બે હાઈકોર્ટે વર્ષ ૨૦૧૭માં નીચલી અદાલતના નિર્ણયને માન્ય રાખ્યો હતો. હાઈકોર્ટે આ તમામ ૧૧ દોષિતોની સજા ઉપરાંત અન્ય કલમો હેઠળ ફટકારવામાં આવેલી સખત કેદની સજા પણ યથાવત રાખી હતી.

૨૦૦૨ના ગોધરાકાંડ બાદની હિંસાનો સમગ્ર મામલો:
આ સમગ્ર કેસ ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ સળગાવ્યા બાદ ફાટી નીકળેલા કોમી રમખાણો સાથે જોડાયેલો છે. ૩ માર્ચ, ૨૦૦૨ના રોજ ૨૧ વર્ષીય અને ૫ માસની ગર્ભવતી બિલ્કીસ બાનો તેના પરિવાર સાથે હિંસાથી બચવા માટે રણધિકપુરથી ભાગી રહી હતી, ત્યારે પન્નીવેલ પાસે એક ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. બિલ્કીસે આ ટોળામાં અત્યારના અરજદારોને પણ ઓળખી કાઢ્યા હતા. આ હુમલામાં બિલ્કીસની ૩ વર્ષની પુત્રી સહિત પરિવારના અનેક સભ્યોની હત્યા કરવામાં આવી હતી અને બિલ્કીસ પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

સીબીઆઈ તપાસ અને મહારાષ્ટ્રમાં ટ્રાયલ:
શરૂઆતમાં સ્થાનિક પોલીસની તપાસ બાદ આ કેસ બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ૧૬ ડિસેમ્બર, ૨૦૦૩ના રોજ સુપ્રીમ કોર્ટે તપાસ સીબીઆઈને સોંપી હતી. સીબીઆઈએ પુરાવાઓ એકત્ર કરી ૧૯ એપ્રિલ, ૨૦૦૪ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. કેસની ગંભીરતા જોતા ટ્રાયલ મહારાષ્ટ્ર ટ્રાન્સફર કરવામાં આવી હતી, જ્યાં અદાલતે તમામ ૧૧ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.

રેમિશન ઓર્ડર અને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ:
ઓગસ્ટ ૨૦૨૨માં ગુજરાત સરકારે તેની માફી નીતિ (Remission Policy) હેઠળ આ ૧૧ દોષિતોને જેલમુક્ત કર્યા હતા. જોકે, આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઈ હતી. ૮ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના મુક્તિના આદેશને રદ કરતા જણાવ્યું હતું કે, કેસની ટ્રાયલ મહારાષ્ટ્રમાં ચાલી હોવાથી ગુજરાત સરકાર પાસે માફી આપવાની સત્તા નથી. ત્યારબાદ તમામ દોષિતોને શરણાગતિ સ્વીકારવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હવે આ કેસમાં સજા સામેની અપીલ પર સુપ્રીમ કોર્ટ ૨૦૨૬માં ફરી સુનાવણી કરશે.

(9:48 PM IST)