હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેન્દ્રીય વિદ્યાલયમાં EWS અનામત તો નવોદયમાં કેમ નહીં? મધ્યપ્રદેશ હાઈકોર્ટે કેન્દ્ર સરકારનો ઉધડો લીધો; દેશની 650 શાળાઓમાં ગરીબ સવર્ણ વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રાખવા બદલ એક સપ્તાહમાં માંગ્યો જવાબ!
એક જ મંત્રાલય અને બે અલગ નિયમો સામે કાયદાકીય જંગ: 2019ના બંધારણીય સુધારા છતાં લાખો પ્રતિભાશાળી બાળકો તકથી વંચિત; જબલપુરની વિદ્યાર્થિનીની અરજીએ શિક્ષણ જગતમાં છેડ્યો નવો વિવાદ

જબલપુર : દેશની પ્રતિષ્ઠિત જવાહર નવોદય વિદ્યાલયોમાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ના વિદ્યાર્થીઓને પ્રવેશમાં અનામત ન આપવાના મુદ્દે મધ્યપ્રદેશ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ન્યાયાધીશ વિશાલ મિશ્રાની સિંગલ બેન્ચે વર્ષ 2019ની બંધારણીય જોગવાઈ હોવા છતાં દેશભરની 650 થી વધુ નવોદય શાળાઓમાં EWS શ્રેણીનો સમાવેશ ન કરવા બદલ કેન્દ્ર સરકાર પાસેથી એક સપ્તાહમાં ખુલાસો માંગ્યો છે.
ભેદભાવપૂર્ણ નીતિ સામે વાલીનો આક્રોશ
આ સમગ્ર મામલો જબલપુરની વિદ્યાર્થિની નવ્યા તિવારીના પિતા ધીરજ તિવારીએ દાખલ કરેલી અરજી બાદ સામે આવ્યો છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે નવોદય વિદ્યાલયોનો મુખ્ય હેતુ ગ્રામીણ અને વંચિત સમુદાયોના તેજસ્વી બાળકોને મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો છે. અત્યારે ત્યાં SC, ST, OBC અને દિવ્યાંગો માટે અનામત છે, પરંતુ આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી બાળકોને કોઈ જ સ્થાન આપવામાં આવતું નથી, જે તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.
બંધારણનો 103મો સુધારો અને અવગણના
અરજદારના વકીલ વિકાસ મિશ્રાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, બંધારણના 103મા સુધારા (2019) હેઠળ કલમ 15(6) ઉમેરવામાં આવી હતી, જે શૈક્ષણિક સંસ્થાઓમાં EWS શ્રેણી માટે 10% અનામતની જોગવાઈ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે કેન્દ્રના શિક્ષણ મંત્રાલય હેઠળ જ ચાલતી 'કેન્દ્રીય વિદ્યાલયો' (KV) માં આ નિયમ લાગુ છે, પરંતુ એ જ મંત્રાલયની 'નવોદય વિદ્યાલયો' માં આ જોગવાઈ નથી. આ વિસંગતતાને કારણે વર્ષ 2019 થી અત્યાર સુધી લાખો ગરીબ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણથી વંચિત રહ્યા છે.
સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી
સુનાવણી દરમિયાન ફેબ્રુઆરી 2026ના સુપ્રીમ કોર્ટના એક જૂના ચુકાદાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં EWS વિદ્યાર્થીઓને તક ન મળવી એ ગંભીર બાબત ગણાઈ હતી. એડવોકેટ મિશ્રાએ સ્પષ્ટ કર્યું કે આ માત્ર એક બાળકીની વાત નથી, પરંતુ દેશભરના 2.9 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. જો હાઈકોર્ટમાંથી સંતોષકારક ઉકેલ નહીં આવે તો આ લડત સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવામાં આવશે.
હાઈકોર્ટની આ નોટિસે હવે કેન્દ્ર સરકારને ભીંસમાં મૂકી છે. આવતા અઠવાડિયે થનારી સુનાવણી પર દેશભરના લાખો વાલીઓ અને વિદ્યાર્થીઓની નજર ટકેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
