<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

6 વર્ષના વનવાસ બાદ આકાશ ગજવવા તૈયાર એર ઇન્ડિયાનું 'મહારાજા': 3,000 નવા સ્પેરપાર્ટ્સ અને હજારો કલાકની મહેનત બાદ બોઇંગ 777 (VT-ALL) એ ભરી સફળ ઉડાન; ટાટા ગ્રુપનું 'મિશન રિસ્ટોરેશન' પૂર્ણ!

એર ઇન્ડિયાના કાફલાના 30 ગ્રાઉન્ડેડ વિમાનો પૈકીનું છેલ્લું વિમાન ફરી સેવામાં કાર્યરત: નાગપુરમાં એન્જિનિયરોએ દિવસ-રાત એક કરી વિમાનની સિસ્ટમ્સનું કર્યું સંપૂર્ણ નવિનીકરણ; 2027 થી નવી બેઠકો અને આધુનિક સુવિધાઓ સાથે મુસાફરોને મળશે નવો અનુભવ.

મુંબઈ : ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં ટાટા ગ્રુપના નેતૃત્વ હેઠળની એર ઇન્ડિયાએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. છ વર્ષથી વધુ સમય સુધી ટેકનિકલ ખામીઓને કારણે જમીન પર રહેલા બોઇંગ 777-300ER (VT-ALL) વિમાને વ્યાપક રિપેરિંગ બાદ સફળતાપૂર્વક ઉડાન ભરી છે. આ સાથે જ એર ઇન્ડિયાએ તેના કાફલાના લાંબા સમયથી બંધ પડેલા તમામ 30 વિમાનોને ફરી જીવંત કરવાનું લક્ષ્ય પૂર્ણ કર્યું છે.
ભંગાર હાલતમાંથી ભવ્ય ઉડાન સુધીની સફર
ફેબ્રુઆરી 2020 માં અનેક સિસ્ટમો બગડી જવાને કારણે આ વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું હતું. ટાટા ગ્રુપે એર ઇન્ડિયાની કમાન સંભાળ્યા પછી, જૂના અને બિનઉપયોગી વિમાનોને ફરીથી કાર્યરત કરવાનું બીડું ઝડપ્યું હતું. VT-ALL આ પ્રોજેક્ટનું છેલ્લું અને સૌથી પડકારજનક વિમાન હતું. મે 2025 માં તેને નાગપુર સ્થિત એન્જિનિયરિંગ સુવિધામાં લાવવામાં આવ્યું હતું, જ્યાં તેનું 'નોઝ-ટુ-ટેઇલ' એટલે કે સંપૂર્ણ ચેકિંગ અને રિપેરિંગ કરવામાં આવ્યું.
એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો
આ વિમાનને ફરી ઉડતું કરવા માટે એર ઇન્ડિયાના એન્જિનિયરોએ અસાધારણ મહેનત કરી છે. વિમાનમાં 3,000 થી વધુ નવા મુખ્ય ઘટકો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને 4,000 થી વધુ નાના-મોટા જાળવણી કાર્યો હાથ ધરાયા હતા. વિમાનના એન્જિન, લેન્ડિંગ ગિયર, હાઇડ્રોલિક્સ, એર-કન્ડીશનીંગ અને એવિઓનિક્સ સિસ્ટમને સંપૂર્ણપણે બદલી નાખવામાં આવી છે. બોઇંગના ટેકનિકલ માર્ગદર્શન અને DGCA ની કડક દેખરેખ હેઠળ આ કામગીરી ચોવીસ કલાક ચાલી હતી.
2027 માં જોવા મળશે 'નવો લુક'
એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે આ વિમાન અત્યારે સેવામાં પાછું ફર્યું છે, પરંતુ 2027 થી તેને ફરીથી આધુનિક ઇન્ટિરિયર સાથે અપગ્રેડ કરવામાં આવશે. જેમાં નવી બેઠકો, અત્યાધુનિક મનોરંજન સિસ્ટમ અને એર ઇન્ડિયાની નવી બ્રાન્ડિંગ શૈલી જોવા મળશે. આ સફળતા એર ઇન્ડિયાની ઓપરેશનલ ક્ષમતા અને ટાટા ગ્રુપની મજબૂત વ્યવસ્થાપન શક્તિનો પુરાવો આપે છે.
હવે એર ઇન્ડિયાના તમામ વાઇડબોડી વિમાનો આંતરરાષ્ટ્રીય રૂટ પર ઉડવા માટે સજ્જ છે, જે લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે.

(9:37 PM IST)