<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ઈરાન ફિફા વર્લ્ડ કપમાંથી ખસી જશે : અમેરિકાની ધરતી પર રમવાનો ઈરાની સરકારનો સ્પષ્ટ ઈન્કાર

અમેરિકા અને ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે ઈરાનનો મોટો નિર્ણય :ફિફા અને ડોનાલ્ડ ટ્રમ્પના સુરક્ષાના આશ્વાસન છતાં ઈરાન અડગ

અમેરિકા અને ઈઝરાયેલ સાથેના વધતા જતા સૈન્ય તણાવની વચ્ચે ઈરાને ચોંકાવનારો સંકેત આપ્યો છે. ઈરાનના રમતગમત મંત્રી અહમદ દુન્યામાલીએ ણાવ્યું છે કે તેમનો દેશ 2026 ફૂટબોલ વિશ્વ કપમાં ભાગ લેશે નહીં. આ નિર્ણય પાછળ ખેલાડીઓની સુરક્ષા અને દેશમાં પ્રવર્તતી યુદ્ધ જેવી સ્થિતિને મુખ્ય કારણ ગણાવવામાં આવી છે.

ઈરાનના રમતગમત મંત્રીએ સરકારી ટીવી પર વાત કરતા સ્પષ્ટ કર્યું કે, જે દેશે તેમના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈની હત્યા કરી છે, તે દેશની ધરતી પર જઈને રમવું સંભવ નથી. હાલમાં જ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે ઈરાનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઈરાનનું માનવું છે કે વર્તમાન સંજોગોમાં તેમની ટીમને અમેરિકા મોકલવી સુરક્ષિત નથી.

 

આ અગાઉ ફૂટબોલની વૈશ્વિક સંસ્થા 'ફિફા'ના (FIFA) અધ્યક્ષ જિયાની ઈન્ફેન્ટિનોએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. ટ્રમ્પે ખાતરી આપી હતી કે ઈરાની ટીમનું સ્વાગત કરવામાં આવશે અને તેમને પૂર્ણ સુરક્ષા આપવામાં આવશે. જોકે, ઈરાન આ આશ્વાસનથી સંતુષ્ટ જણાતું નથી.

ફિફા વર્લ્ડ કપ 2026 અમેરિકા, મેક્સિકો અને કેનેડામાં સંયુક્ત રીતે યોજાવાનો છે. ઈરાનને ગ્રુપ-જી માં બેલ્જિયમ, ઇજિપ્ત અને ન્યુઝીલેન્ડ સાથે રાખવામાં આવ્યું હતું, જેના તમામ મેચો અમેરિકાના લોસ એન્જલસ અને સિએટલમાં રમાવાના હતા. જો ઈરાન અધિકૃત રીતે નામ પાછું ખેંચશે, તો ફિફાના નિયમો મુજબ તેના પર ભારે દંડ થઈ શકે છે અને અન્ય કોઈ ટીમને તક આપવામાં આવી શકે છે.

(10:02 PM IST)