<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

બદ્રી-કેદારના મંદિરોમાં બિન-હિન્‍દુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ

બિન-સનાતની લોકોને મંદિરોમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવાયોઃ ચાર ધામ યાત્રા માટે એક સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) ઘડી કાઢવામાં આવી

દહેરાદૂન,તા.૧૮: ૨૦૨૬ની નજીક આવી રહેલી ચાર ધામ યાત્રા પૂર્વે યાત્રાએ આવનારા શ્રદ્ધાળુ ભક્‍તોને તમામ પ્રકારની સુવિધા મળી રહે અને તેઓને કોઇપણ જાતની અગવડ પડે નહીં તે માટે અને મંદિરોની પવિત્રતા જળવાઇ રહે તે માટે બદ્રિનાથ-કેદારનાથ ટેમ્‍પલ કમિટિએ સંખ્‍યાબંધ પ્રતિબંધોની જાહેરાત કરી હતી.

અહીં આયોજિત એક પત્રકાર પરિષદમાં પત્રકારોને સંબોધતા ટેમ્‍પલ કમિટિના ચેરમેન હેમંત દ્વિવેદીએ કહ્યું હતું કે કમિટિ દ્વારા સંચાલિત મંદિરોમાં બિન સનાતની અને બિન-હિદુ લોકોના પ્રવેશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે. આ કમિટિ હિમાલયના ક્ષેત્રમાં આવેલાં મોટા મંદિરોનું સંચાલન કરે છે, જેમાં બદ્રિનાથ અને કેદારનાથના મંદિરનો પણ સમાવેશ થઇ જાય છે.

કમિટિના ચેરમેનના જણાવ્‍યા અનુસાર આ વર્ષની સૂચિત ચાર ધામ યાત્રા માટે એક સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટિગ પ્રોસિજર (એસઓપી) ઘડી કાઢવામાં આવી છે. જેમાં મંદિરોમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ અને મંદિર પરિસરમાં ભક્‍તોની સુરક્ષા વ્‍યવસ્‍થા અને શાંતિ જાળવવા જેવી બાબતોને આવરી લેવામાં આવી છે. મિટિગમાં કમિટિ દ્વારા સંચાલિત મંદિરોની પવિત્રતા જળવાઇ રહે તે માટે બિન-સનાતની લોકોને મંદિરોમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. તે ઉપરાંત મંદિરોની પવિત્રતા જળવાઇ રહે તે માટે મંદિરના પરિસરમાં અને વિશેષ કરીને મંદિરના ગર્ભગૃહમાં મોબાઇલ ફોન લઇ જવા ઉપર પણ પ્રતિબંધ મૂકવાનું ઠરાવ્‍યું હતું. એક જ જગ્‍યાએ ટોળા ભંગા ના થાય અને જ્‍યાં ભક્‍તો દર્શન માટે આવે છે તે મંદિરના ગર્ભગૃહમાં ખલેલ ના ઉભી થાય તથા બિન-જરૂરી ફોટોગ્રાફી ના થાય તે માટે મોબાઇલ ફોન લઇ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે.

અભિનેત્રી સારા અલી ખાનને ચાર ધામમાં પ્રવેશ બાબતે દ્વિવેદીએ કહ્યું હતું કે, સારા અલી ખાન સનાતન ધર્મમાં શ્રદ્ધા વ્‍યક્‍ત કરે અને આ બાબતે સોગંદનામું કરે તો તેને પણ મંદિરમાં પ્રાર્થના કરવા મંજૂરી અપાશે. બિન-સનાતનીને મંદિરમાં પ્રવેશ નહીં આપવાની પરંપરા આદિ શંકરાચાર્ય દ્વારા સ્‍થાપિત થઈ હતી. તેથી આ સીસ્‍ટમમાં કોઈ નવો નિર્ણય લેવાયો નથી

(10:30 AM IST)