<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

હવાઈ મુસાફરો માટે લોટરીઃ મનપસંદ સીટ માટે વધારાનો ચાર્જ આપવો નહી પડે

એરલાઈન્‍સ કંપનીઓની મનમાની પર કેન્‍દ્રસરકારનો મોટો બ્રેક : એક જ ટિકિટ પર મુસાફરી કરતા પરિવારોને હવે ફરજીયાત સાથે બેસાડવા પડશેઃ પાલતુ પ્રાણીઓ અને રમતગમતના સાધનો માટે પણ પારદર્શક નીતિ લાવવા આદેશ

નવી દિલ્‍હી, તા.૧૮: ભારતના મધ્‍યમ વર્ગ અને વારંવાર હવાઈ મુસાફરી કરતા લોકો માટે કેન્‍દ્ર સરકાર તરફથી દિવાળી જેવી ખુશીના સમાચાર આવ્‍યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્‍સ કંપનીઓની સીટ સિલેક્‍શનના નામે ચાલતી વધારાની વસૂલાત પર લગામ કસતા નવી માર્ગદર્શિકા જારી કરી છે. હવેથી કોઈપણ ફ્‌લાઈટમાં ઓછામાં ઓછી ૬૦ ટકા સીટો મફત રાખવી પડશે, એટલે કે મુસાફરોએ આ સીટો પસંદ કરવા માટે કોઈ વધારાનો ટેક્‍સ કે ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ નિર્ણયથી સામાન્‍ય મુસાફરો પર આર્થિક બોજ ઘટશે અને હવાઈ મુસાફરી વધુ સુલભ બનશે. ભારત હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ડોમેસ્‍ટિક એવિએશન માર્કેટ બની ગયું છે, ત્‍યારે મુસાફરોને સમાન તકો મળે તે હેતુથી આ ઐતિહાસિક પગલું ભરવામાં આવ્‍યું છે.

નવી ગાઈડલાઈનમાં સૌથી મહત્‍વનો ફેરફાર પરિવારો માટે કરવામાં આવ્‍યો છે. ઘણીવાર એવું બનતું હતું કે એક જ PNR પર ટિકિટ બુક કરાવી હોવા છતાં એરલાઇન્‍સ પરિવારોને અલગ-અલગ સીટો આપતી હતી, અથવા સાથે બેસવા માટે વધારાના પૈસા માંગતી હતી. હવે મંત્રાલયે સ્‍પષ્ટ કર્યું છે કે એક જ PNR પર મુસાફરી કરતા લોકોને પ્રાધાન્‍ય આપીને બાજુ-બાજુની સીટો પર જ બેસાડવા પડશે. આ ઉપરાંત, મંત્રાલયે મુસાફરોની સુવિધા માટે ઉડાન યાત્રી કાફે જેવી પહેલ દ્વારા સસ્‍તું ભોજન અને ફ્‌લાયબ્રેરી દ્વારા એરપોર્ટ પર મફત પુસ્‍તકો અને વાઇ-ફાઇની સુવિધા આપવાની પણ જાહેરાત કરી છે. આ સુધારાઓ મુસાફરીના અનુભવને સંપૂર્ણપણે બદલી નાખશે.

આટલું જ નહીં, હવે એરલાઇન્‍સ કંપનીઓએ રમતગમતના સાધનો, સંગીતના સાધનો અને પાલતુ પ્રાણીઓના પરિવહન માટે પણ સ્‍પષ્ટ અને પારદર્શક નીતિઓ જાહેર કરવી પડશે. જો કોઈ ફ્‌લાઈટ વિલંબિત થાય અથવા રદ થાય, તો મુસાફરોના અધિકારોનું કડક પાલન થાય તે માટે DGCA એ કડક સૂચનાઓ આપી છે. એરપોર્ટ પર અને એરલાઇન્‍સની વેબસાઇટ પર આ નિયમોની જાણકારી પ્રાદેશિક ભાષાઓમાં પણ આપવી પડશે જેથી દરેક મુસાફર પોતાના હક વિશે જાગળત રહી શકે. આ નવા નિયમોથી એરલાઇન્‍સની મનમાની બંધ થશે અને મુસાફર ખરા અર્થમાં રાજા બનશે. 

(11:41 AM IST)