તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Wednesday, 18th March 2026
માનવતાવાદી અભિગમ: અમેરિકા-ઈઝરાયેલના હુમલા બાદ ઈરાનમાં સર્જાયેલી મેડિકલ ઈમરજન્સી વચ્ચે ભારત દ્વારા દવાઓ અને સર્જિકલ સામગ્રીનો પ્રથમ જથ્થો રવાના: વ્યૂહાત્મક રાજદ્વારી સફળતા: ભારતની મદદન પગલે ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ભારતીય જહાજોને સલામત પસાર થવાની મંજૂરી આપી: ઈરાનમાં અત્યાર સુધીમાં ૧૯,૦૦૦ લોકો ઘાયલ થયા છે

નવીદિલ્હી; પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત અને ઈરાનના સંબંધોમાં એક મહત્વપૂર્ણ વળાંક જોવા મળ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬થી શરૂ થયેલા યુદ્ધ અને ત્યાર બાદ થયેલા ઈઝરાયેલી હવાઈ હુમલાઓને કારણે ઈરાનમાં અત્યાર સુધીમાં ૧૯,૦૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ગંભીર માનવતાવાદી સંકટને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે ઈરાનને તાત્કાલિક મેડિકલ સહાય મોકલવાનો નિર્ણય લીધો છે.
ભારતીય વિદેશ મંત્રાલય અને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, દવાઓ અને અત્યંત જરૂરી સર્જિકલ સાધનોનો પ્રથમ જથ્થો ઈરાની રેડ ક્રેસન્ટ સોસાયટીને સોંપવામાં આવ્યો છે.
બીજી તરફ, ભારતની આ તટસ્થ અને માનવતાવાદી નીતિના પ્રતિસાદરૂપે, ઈરાન સરકારે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની) માંથી ભારતીય ધ્વજ ધરાવતા જહાજોને પસાર થવાની મંજૂરી આપી છે
સત્તાવાર વિગતો મુજબ, આગામી બે દિવસમાં ભારતીય એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) અને ક્રૂડ ઓઈલના ટેન્કરો પણ આ માર્ગે ભારત તરફ રવાના થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ આ માર્ગ મોકળો થયો છે. ઉલ્લેખનીય છે કે ભારત તેની ઉર્જા જરૂરિયાતનો મોટો હિસ્સો આ દરિયાઈ માર્ગ દ્વારા જ મેળવે છે, તેથી આ મંજૂરી ભારતની ઉર્જા સુરક્ષા માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
