હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તેલ અવીવ મિસાઈલના વિસ્ફોટોથી ધણધણી ઉઠયું: ૨ના મોત
ઈઝરાયલમાં ભયનો માહોલઃ ઈરાને આક્રમક વલણ અપનાવ્યું સાયરનના ગુંજારવ વચ્ચે બોમ્બ શેલ્ટરમાં છુપાયા હજારો લોકો

તેલ અવીવ, તા.૧૮: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલું લોહિયાળ જંગ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. આજે યુદ્ધના ૧૯મા દિવસે ઈરાને ઈઝરાયલના સૌથી સુરક્ષિત ગણાતા શહેર તેલ અવીવને નિશાન બનાવીને મિસાઈલોનો મારો ચલાવતા સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો હતો. આ ભીષણ હુમલામાં તેલ અવીવના રહેણાંક વિસ્તારમાં મિસાઈલ ત્રાટકતા ૭૦ વર્ષની વયના બે વળદ્ધોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જોકે ઈઝરાયલની આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમે હવામાં જ અનેક મિસાઈલોને તોડી પાડી હતી, પરંતુ કેટલીક મિસાઈલો સુરક્ષા કવચને ભેદીને જમીન પર પડતા શહેરમાં જોરદાર વિસ્ફોટો થયા હતા, જેના કારણે રસ્તાઓ પર અફરાતફરી મચી ગઈ હતી.
હુમલાના પગલે તેલ અવીવ અને તેની આસપાસના વિસ્તારોમાં ખતરાના સાયરન સતત ગુંજી રહ્યા છે, જે નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે ચેતવણી આપી રહ્યા છે. મિસાઈલ હુમલાના કારણે શહેરના કેટલાક હિસ્સાઓમાં ભયાનક આગ ફાટી નીકળી છે, જેને કાબુમાં લેવા માટે અગ્નિશામક દળો યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. અનેક લોકો અત્યારે પણ બોમ્બ શેલ્ટર્સમાં ફસાયેલા હોવાના અહેવાલો છે, જેમને બહાર કાઢવા માટે બચાવ ટુકડીઓ કાટમાળ વચ્ચે જહેમત ઉઠાવી રહી છે. શહેરના આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે અને રસ્તાઓ પર સળગેલી ગાડીઓ ઈરાની હુમલાની તીવ્રતાની સાક્ષી પૂરી રહી છે.
બીજી તરફ, રાજકીય મોરચે પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને વારંવાર ગંભીર પરિણામો ભોગવવાની ધમકીઓ આપવામાં આવી રહી છે, તેમ છતાં ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે અમેરિકા કે ઈઝરાયલ સામે જરાય ઝૂકશે નહીં. ઈરાની સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું છે કે તેઓ ટ્રમ્પની કોઈપણ યોજનાને સફળ થવા દેશે નહીં અને ઈઝરાયલના સાથી દેશો પર પણ પ્રહારો ચાલુ રાખશે. મધ્ય પૂર્વમાં વધતા જતા આ તણાવને કારણે હવે વિશ્વ સ્તરે ચિંતા વ્યાપી ગઈ છે કે આ જંગ કયાંક ત્રીજા વિશ્વયુદ્ધનું સ્વરૂપ ન ધારણ કરી લે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
