News of Wednesday, 18th March 2026
હવે શ્રીલંકાના ખૂણેખૂણે ચાલશે ભારતનું UPI: પાડોશી દેશમાં ભારતીય પ્રવાસીઓને રોકડથી મળી મુક્તિ, ‘LankaQR’ સ્કેન કરીને થશે પેમેન્ટ
હોટેલ તાજથી લઈને સુપરમાર્કેટ સુધી બધે જ સ્વીકારાશે ડિજિટલ મની: NPCI અને લંકાપેની ભાગીદારીથી પ્રવાસીઓ માટે રીઅલ-ટાઇમ ટ્રાન્ઝેક્શન અને પારદર્શક વિનિમય દરની સુવિધા

કોલંબો, તા.૧૮: ભારતીય પ્રવાસીઓ માટે શ્રીલંકાની મુસાફરી હવે વધુ સુવિધાજનક અને સ્માર્ટ બનવા જઈ રહી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) ની આંતરરાષ્ટ્રીય શાખા NIPL એ શ્રીલંકામાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ની સ્વીકૃતિનો વ્યાપ વધારવાની જાહેરાત કરી છે. હવે ભારતીય પ્રવાસીઓ પોતાની માનીતી UPI એપ્લિકેશન દ્વારા શ્રીલંકાના 'LankaQR' કોડ સ્કેન કરીને સીધું જ પેમેન્ટ કરી શકશે, જેનાથી કરન્સી એક્સચેન્જ કરાવવાની અને ખિસ્સામાં રોકડ રાખવાની માથાકૂટમાંથી મુક્તિ મળશે.
શ્રીલંકા માટે ભારત એ પ્રવાસીઓનો સૌથી મોટો સ્ત્રોત છે. વર્ષ ૨૦૨૪ માં અંદાજે ૪.૧૬ લાખ ભારતીયોએ લંકાની મુલાકાત લીધી હતી, જે આંકડો ૨૦૨૫ માં વધીને ૫.૩૧ લાખને પાર કરી ગયો છે. આ વિશાળ જનસંખ્યાને ધ્યાનમાં રાખીને, શ્રીલંકાની પ્રખ્યાત સિનામન હોટેલ્સ, તાજ હોટેલ્સ, બરિસ્ટા કોફી શોપ્સ, કીલ્સ સુપરમાર્કેટ અને ઓડેલ જેવા મોટા શોપિંગ આઉટલેટ્સ પર હવે UPI ચુકવણીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.
NPCI ઇન્ટરનેશનલના MD અને CEO રિતેશ શુક્લાએ આ ભાગીદારી અંગે જણાવ્યું હતું કે, "અમે એક એવો વિશ્વસનીય અને સુરક્ષિત પેમેન્ટ કોરિડોર બનાવવા માંગીએ છીએ જે ટેકનોલોજીના માધ્યમથી બે દેશોને વધુ નજીક લાવે. આ સિસ્ટમ દ્વારા ભારતીય પ્રવાસીઓને પારદર્શક વિનિમય દર મળશે અને સ્થાનિક વેપારીઓને રોકડ વ્યવસ્થાપનની ઝંઝટમાંથી રાહત મળશે."
શ્રીલંકાના ડિજિટલ અર્થતંત્રને વેગ આપવા માટે આ એક ઐતિહાસિક કદમ માનવામાં આવી રહ્યું છે. માત્ર હોસ્પિટાલિટી જ નહીં, પણ ટુરિઝમ અને રિટેલ સેક્ટરના નાના-મોટા વેપારીઓ પણ હવે UPI ગ્રાહકોને આવકારવા સજ્જ બન્યા છે. ભારતની આ રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ, જે દર મહિને ૨૦ અબજથી વધુ વ્યવહારો કરે છે, તે હવે શ્રીલંકાના બજારોમાં પણ ભારતીય પ્રવાસીઓનો અનુભવ યાદગાર બનાવશે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
