<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

ભારતીય મુસાફરો માટે મોટી રાહત: પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે એર ઇન્ડિયાએ 36 નવી ફ્લાઇટ્સની કરી જાહેરાત, ગલ્ફ એરલાઇન્સે પણ કામગીરી ફરી શરૂ કરી

અકાસા એર મુંબઈ-રિયાધ રૂટ પર ઉડાન ભરશે: એરપોર્ટ પર ગીચતા રોકવા એરલાઇન્સની કડક સૂચના - 'બુકિંગ કન્ફર્મ હોય તો જ ઘરની બહાર નીકળવું'


રાજકોટ, તા.૧૮: મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે ખોરવાયેલો હવાઈ વ્યવહાર હવે ધીમે ધીમે પાટા પર આવી રહ્યો છે. પ્રાદેશિક એરસ્પેસ ફરીથી ખુલતાની સાથે જ યુએઈ (UAE) ની મુખ્ય એરલાઇન્સે મર્યાદિત ધોરણે ઉડાન શરૂ કરી છે. આ દરમિયાન, વિદેશમાં ફસાયેલા મુસાફરો અને વધતી માંગને પહોંચી વળવા માટે ભારતની દિગ્ગજ એરલાઇન એર ઇન્ડિયા એ આગામી ૧૯ થી ૨૮ માર્ચ દરમિયાન વિવિધ રૂટ્સ પર ૩૬ વધારાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચલાવવાનો મોટો નિર્ણય લીધો છે.
એર ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે લંડન હીથ્રો, ફ્રેન્કફર્ટ, ટોરોન્ટો અને ઝુરિચ જેવા વ્યસ્ત રૂટ્સ પર મુસાફરોનો ભારે ધસારો હોવાથી ત્યાં વધારાની ક્ષમતા તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ, અકાસા એર એ પણ સુરક્ષા સમીક્ષા બાદ તેની સેવાઓ પુનઃસ્થાપિત કરી છે. અકાસા એર જેદ્દાહથી અમદાવાદ, બેંગલુરુ, મુંબઈ અને કોચીની ફ્લાઇટ્સ ચાલુ રાખશે, તેમજ આજથી જ એટલે કે ૧૮ માર્ચથી મુંબઈ અને રિયાધ વચ્ચે સીધી કામગીરી શરૂ કરી રહી છે. જોકે, સાવચેતીના ભાગરૂપે અબુ ધાબી, દોહા અને કુવૈતની ફ્લાઇટ્સ ૨૧ માર્ચ સુધી સ્થગિત રહેશે.
ગલ્ફ દેશોની એરલાઇન્સ જેવી કે એતિહાદ, અમીરાત અને ફ્લાયદુબઈ પણ હવે એક્શન મોડમાં આવી છે. અબુ ધાબી અને દુબઈથી મર્યાદિત ફ્લાઇટ શેડ્યૂલ શરૂ કરવામાં આવ્યું છે. આ એરલાઇન્સે મુસાફરોને ખાસ વિનંતી કરી છે કે જ્યાં સુધી તમારી પાસે અપડેટેડ અને કન્ફર્મ ટિકિટ ન હોય ત્યાં સુધી એરપોર્ટ પર ન આવવું, જેથી ત્યાં બિનજરૂરી ભીડ ટાળી શકાય. જે મુસાફરોની ફ્લાઇટ્સ રદ થઈ છે તેમના માટે ૩૧ મે સુધી ફ્રી રિબુકિંગ અથવા સંપૂર્ણ રિફંડના વિકલ્પો પણ ખુલ્લા રાખવામાં આવ્યા છે.
એર અરેબિયાએ પણ ભારત સહિત યુરોપ અને આફ્રિકાના દેશો માટે તેની ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જોકે, સ્થિતિ હજુ સંપૂર્ણ સામાન્ય ન હોવાથી ફ્લાઇટના સમયપત્રકમાં ગમે ત્યારે ફેરફાર થઈ શકે છે. તેથી, મુસાફરોને સતત એરલાઇનની વેબસાઇટ અને એપ્લિકેશન પર નજર રાખવા તેમજ રીઅલ-ટાઇમ અપડેટ્સ ચેક કરતા રહેવા સલાહ આપવામાં આવી છે.

(4:41 PM IST)