<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

ભારતની ડિજિટલ વસ્તી ગણતરીનો શંખનાદ: આંતરરાષ્ટ્રીય રેતી કલાકાર સુદર્શન પટનાયક બન્યા 'જનગણના 2027' ના બ્રાન્ડ એમ્બેસેડર

રેતીના શિલ્પો દ્વારા દેશભરમાં જાગૃતિ ફેલાવશે પદ્મશ્રી પટનાયક: 16મી વસ્તી ગણતરીમાં પ્રથમવાર જાતિ અને સામાજિક-આર્થિક ડેટા પર અપાશે ભાર

 

અંગુલ, તા.૧૮: કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે વર્ષ ૨૦૨૭માં યોજાનારી ભારતની મહત્વકાંક્ષી વસ્તી ગણતરી માટે વિશ્વવિખ્યાત રેતી કલાકાર સુદર્શન પટનાયકની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વરણી કરી છે. પોતાની અદભૂત રેતી કલા (Sand Art) થી વૈશ્વિક ફલક પર ભારતનું નામ રોશન કરનાર પટનાયક હવે દરિયાકિનારાની રેતી પર આકર્ષક કલાકૃતિઓ કંડારીને દેશના કરોડો નાગરિકોને વસ્તી ગણતરીમાં સાચી માહિતી આપવા અને સહભાગી થવા માટે પ્રેરિત કરશે.

આ વખતે વસ્તી ગણતરી માત્ર આંકડાકીય માળખું જ નહીં, પરંતુ ભારતનું ભવિષ્ય બદલનારી સાબિત થશે. ૨૦૨૭ની આ જનગણના સ્વતંત્રતા પછીની ૮મી અને દેશની કુલ ૧૬મી વસ્તી ગણતરી હશે. આ અભિયાનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં પ્રથમવાર જાતિ અને સામાજિક-આર્થિક સ્થિતિ સંબંધિત વિગતવાર ડેટા એકત્રિત કરવામાં આવશે. નિષ્ણાતો માને છે કે આ ડેટાના આધારે ભવિષ્યમાં લોકસભા અને વિધાનસભાના મતવિસ્તારોનું સીમાંકન (Delimitation) થશે, જે દેશના રાજકીય ઇતિહાસમાં મોટું પરિવર્તન લાવી શકે છે.

નોંધનીય છે કે છેલ્લી વસ્તી ગણતરી ૨૦૧૧માં થઈ હતી. ૨૦૨૧માં યોજાનારી ગણતરી કોરોના મહામારીને કારણે મોકૂફ રાખવી પડી હતી, જે હવે ૨૦૨૭માં સંપૂર્ણ ડિજિટલ અવતારમાં જોવા મળશે. આ વખતે ૯૦ ટકાથી વધુ કામગીરી ડિજિટલ રીતે કરવામાં આવશે અને નાગરિકો સત્તાવાર પોર્ટલ પર જઈને ઓનલાઈન પણ પોતાની વિગતો ભરી શકશે, જેનાથી પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે.

ઓડિશામાં આ મહાઅભિયાન બે તબક્કામાં શરૂ થશે. પ્રથમ તબક્કો ૧ ફેબ્રુઆરીથી શરૂ થશે જેમાં મકાનોની યાદી તૈયાર કરવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં ગણતરીકારો ઘરે-ઘરે જઈને સર્વે કરશે. સરકારની આ પહેલ અને સુદર્શન પટનાયકની કલાત્મક રજૂઆત વસ્તી ગણતરીને એક સામાન્ય વહીવટી પ્રક્રિયાને બદલે 'જન આંદોલન' માં પરિવર્તિત કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

(4:44 PM IST)