ઈરાની દીકરીઓનું સાહસ: લાલચ અને ધમકીઓ છતાં મહિલા ફૂટબોલ ટીમે શરણાગતિ ન સ્વીકારી, ગર્વ સાથે વતન પરત ફરશે ખેલાડીઓ
ઈઝરાયેલ-અમેરિકા સાથે યુદ્ધ અને આયાતુલ્લાહ ખામેનીના અવસાન વચ્ચે એશિયન કપ રમીને પરત ફરી ટીમ: સંસદના સ્પીકરે કર્યું ભવ્ય સ્વાગતનું એલાન

તેહરાન, તા.૧૮: ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધના માહોલ અને આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે ઈરાનની મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ટીમે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા ૨૦૨૬ AFC મહિલા એશિયન કપમાં ભાગ લીધા બાદ, ટીમના મોટાભાગના સભ્યોએ અન્ય દેશોમાં આશ્રય લેવાની લાલચ ફગાવી દીધી છે અને ગર્વભેર પોતાના વતન ઈરાન પરત ફરવાનો નિર્ણય કર્યો છે.
તુર્કીની સમાચાર એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા ફૂટેજમાં ઈરાની ખેલાડીઓ ઈસ્તંબુલ એરપોર્ટ પર તેમના રાષ્ટ્રીય ટ્રેકસૂટમાં સજ્જ જોવા મળ્યા હતા. આ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાથી ઓમાન અને કુઆલાલંપુર થઈને ઈરાન પહોંચવા રવાના થયા છે. નોંધનીય છે કે જ્યારે ટીમ એશિયન કપ રમવા ઓસ્ટ્રેલિયા ગઈ હતી, ત્યારે ઈરાનમાં મોટી રાજકીય ઉથલપાથલ મચી હતી. ઈઝરાયેલ અને અમેરિકા સાથે યુદ્ધની સ્થિતિ અને હવાઈ હુમલામાં સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુ બાદ એવી અટકળો હતી કે આખી ટીમ વિદેશમાં શરણ લેશે, પરંતુ માત્ર બે સભ્યો સિવાય બાકીની તમામ ખેલાડીઓએ વતન જવાનું પસંદ કર્યું છે.
સ્પીકર ગાલિબાફે કરી પ્રશંસા
ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ખેલાડીઓની પ્રશંસા કરતા લખ્યું કે, "આ મહિલા ફૂટબોલરો આ દેશની વહાલી દીકરીઓ છે અને ઈરાની જનતા તેમને ગળે લગાવશે. દુશ્મનોના તમામ દ્વેષ અને ધાકધમકી છતાં આપણી દીકરીઓએ હાર માની નથી અને તેઓ લાલચમાં આવ્યા વગર ગર્વ સાથે ઘરે પાછી ફરી રહી છે."
રાષ્ટ્રગીત પર મૌન રહીને ખેંચ્યું હતું ધ્યાન
એશિયન કપમાં દક્ષિણ કોરિયા સામેની મેચ પહેલા જ્યારે ઈરાનનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું, ત્યારે ટીમના સભ્યો ચૂપચાપ ઉભા રહ્યા હતા. આ મૌન દ્વારા તેમણે વતનમાં ચાલી રહેલા સંઘર્ષ પ્રત્યે આડકતરો આદર અને ગંભીરતા દર્શાવી હતી, જેણે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. ભલે મેચમાં ઈરાનનો ૩-૦ થી પરાજય થયો હોય, પરંતુ મેદાનની બહાર ખેલાડીઓએ બતાવેલી મક્કમતાએ ઈરાની શાસન અને જનતા બંનેને પ્રભાવિત કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
