ચીનનો રસ્તો ભૂલ્યા રશિયન તેલના જહાજો: ભારતની 'એનર્જી ડિપ્લોમસી' સામે ડ્રેગન પડ્યું નબળું
રશિયાથી ચીન જઈ રહેલા 7 મહાકાય ટેન્કરોએ દક્ષિણ ચીન સમુદ્રમાં લીધો આશ્ચર્યજનક યુ-ટર્ન : ભારતની વધતી જરૂરિયાત અને અમેરિકાની લીલી ઝંડી બાદ હવે ગુજરાત અને કર્ણાટકના બંદરો પર ઠાલવશે લાખો બેરલ ક્રૂડ ઓઈલ

નવી દિલ્હી: વૈશ્વિક તેલ બજારમાં ભારતનો દબદબો ફરી એકવાર સાબિત થયો છે. શિપ-ટ્રેકિંગ ડેટા અને બ્લૂમબર્ગના અહેવાલો અનુસાર, ચીનના રિઝાઓ બંદર તરફ જઈ રહેલા રશિયન તેલના સાત ટેન્કરોએ અધવચ્ચેથી પોતાનો માર્ગ બદલીને ભારત તરફ પ્રયાણ કર્યું છે. આ ઘટનાક્રમમાં સૌથી મહત્વનું 'એક્વા ટાઈટન' નામનું જહાજ છે, જે 21 માર્ચે કર્ણાટકના ન્યૂ મેંગલોર બંદર પર પહોંચવાની ધારણા છે. આ જહાજે જાન્યુઆરીમાં રશિયાના બાલ્ટિક સમુદ્રથી સફર શરૂ કરી હતી અને ચીન જવાના બદલે દક્ષિણ ચીન સમુદ્રમાંથી ભારત તરફ વળીને સૌને ચોંકાવી દીધા છે.
આ આકસ્મિક ફેરફાર પાછળ ભારતની રશિયન તેલની આયાતમાં થયેલો તોતિંગ વધારો જવાબદાર છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતે રશિયા પાસેથી આયાત બમણી કરી દીધી છે. અમેરિકાએ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાની અસ્થાયી છૂટ આપતા જ ભારતીય રિફાઇનરીઓએ આક્રમક રીતે માત્ર એક અઠવાડિયામાં જ 30 મિલિયન બેરલ તેલના સોદા કર્યા છે. આ વ્યૂહાત્મક પગલાથી ઈરાન સાથેના તણાવ અને સુએઝ કેનાલના સંકટ વચ્ચે પણ ભારતની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત થઈ છે, જ્યારે ચીન જે રશિયાનું મોટું ગ્રાહક હતું, તેના હાથમાંથી આ કાર્ગો સરકી ગયા છે.
માત્ર દક્ષિણ ભારત જ નહીં, પરંતુ ગુજરાતનું સિક્કા બંદર પણ આ તેલ યુદ્ધનું કેન્દ્ર બન્યું છે. શિપ ટ્રેકિંગ ડેટા મુજબ, 'ઝુઝોઉ એન' નામનું વિશાળ સુએઝમેક્સ ટેન્કર 25 માર્ચે જામનગર પાસેના સિક્કા બંદર પર લાંગરવાનું છે, જે કઝાક સીપીસી બ્લેન્ડ ક્રૂડ ઓઈલ લઈને આવી રહ્યું છે. રશિયા માટે પણ હવે ચીનના બદલે ભારત સૌથી ભરોસાપાત્ર અને મોટું બજાર બનીને ઉભર્યું છે. આગામી સમયમાં જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો પણ રશિયન તેલ ખરીદવા લાઈનમાં હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં પણ ઉથલપાથલ થવાની પૂરેપૂરી શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
