હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચટણી પડી ભારે! ન્યૂ યોર્કમાં 'તીખી સાલસા' ખાધા પછી પ્રવાસીએ ઠોક્યો 92 લાખનો દાવો
જર્મન એન્જિનિયરે મેક્સિકન રેસ્ટોરન્ટ સામે માંડ્યો અનોખો જંગ: જીભમાં બળતરા, હૃદયના ધબકારા વધવા અને 'ઇમોશનલ ટ્રોમા'ના નામે માંગ્યું કરોડોનું વળતર, પણ જજે કહ્યું- "મેક્સિકન ખાવા જાવ ત્યારે મરચાંની આશા તો રાખવી જ પડે!"

ન્યૂ યોર્ક: અમેરિકાના પ્રવાસે ગયેલા એક જર્મન પ્રવાસી માટે ન્યૂ યોર્કની ફેમસ મેક્સિકન વાનગી 'ટેકો' અને તેની સાથે મળતી લીલી ચટણી (સાલસા) જીવનભરનો કડવો અનુભવ બની ગઈ છે. જર્મનીના ફૈઝલ માંઝ નામના એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ટાઇમ્સ સ્ક્વેર સ્થિત જાણીતી રેસ્ટોરન્ટ 'લોસ ટાકોસ નંબર 1' વિરુદ્ધ અદાલતમાં 100,000 ડોલર (આશરે 9.2 મિલિયન રૂપિયા)નો દાવો માંડ્યો હતો. ફૈઝલનો આરોપ હતો કે રેસ્ટોરન્ટે તેને સાલસાની તીખાશ વિશે ચેતવણી આપી ન હતી, જેના કારણે તેને મોંમાં અલ્સર થયા અને માનસિક આઘાત લાગ્યો. જોકે, ફેડરલ કોર્ટના જજ ડેલ ઇ. હોએ આ કેસને ફગાવી દેતા ટકોર કરી હતી કે મેક્સિકન ફૂડના નામે સાલસા મંગાવો ત્યારે તે તીખી જ હોય તેવી સામાન્ય સમજ હોવી જરૂરી છે.
કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ, ફૈઝલ માંઝે દલીલ કરી હતી કે તે જર્મનીથી આવે છે જ્યાં ખોરાકમાં આટલા મસાલા હોતા નથી, તેથી આ 'એક્સ્ટ્રા સ્પાઈસી' સાલસા તેના માટે શારીરિક હુમલા સમાન હતી. તેણે દાવો કર્યો કે ચટણી ખાતા જ તેની જીભમાં ભયાનક બળતરા થઈ અને હૃદયના ધબકારા અનિયંત્રિત થઈ ગયા હતા. બીજી તરફ, રેસ્ટોરન્ટની કાનૂની ટીમે પુરાવા રજૂ કર્યા કે તેમના મેનુ બોર્ડ પર પહેલેથી જ ગ્રીન સાલસાને "મીડિયમ" (મધ્યમ તીખી) તરીકે લેબલ કરવામાં આવી છે. જજે ગુગલ સર્ચ અને રેસ્ટોરન્ટના રિવ્યુઝનો હવાલો આપીને જણાવ્યું કે આટલી પ્રખ્યાત જગ્યાએ ખાવા જતા પહેલા ગ્રાહકે પોતે સાવધ રહેવું જોઈએ.
રસપ્રદ વાત એ છે કે, ફૈઝલ માંઝ માત્ર આ રેસ્ટોરન્ટ જ નહીં, પણ ન્યૂ યોર્કની અન્ય સંસ્થાઓ સામે પણ દાવો માંડવા માટે જાણીતો બન્યો છે. તેણે વોલમાર્ટ સામે વાઈ-ફાઈ ન મળવા બદલ અને ન્યૂ યોર્ક પોલીસ સામે એક ઘટનામાં નિવેદન ન લેવા બદલ પણ કેસ કર્યા હતા. કાયદાના વિદ્યાર્થી એવા ફૈઝલના આ તમામ દાવાઓ હાલમાં નિષ્ફળ સાબિત થયા છે. આ કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો મજાક કરી રહ્યા છે કે હવે રેસ્ટોરન્ટે મેનુ પર "ચેતવણી: મરચાં તીખા હોઈ શકે છે" તેવું બોર્ડ મારવું પડશે. આ ઘટના પ્રવાસીઓ માટે એક પાઠ છે કે વિદેશમાં સ્થાનિક વાનગીઓ અજમાવતી વખતે પોતાની ક્ષમતા ચકાસવી અનિવાર્ય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
