<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

નેસ્લેને ભારે પડી કર્મચારીની હકાલપટ્ટી: શૌચાલયમાં 'વેપિંગ' કરનાર કામદારને ₹27 લાખ ચૂકવવાનો કોર્ટનો આદેશ

એક ભૂલ અને આખી ફેક્ટરી ઠપ્પ! વેપિંગથી ફાયર એલાર્મ વાગતા ઉત્પાદન અટકી ગયું, છતાં ટ્રિબ્યુનલે બરતરફીને 'અન્યાયી' ગણાવી કંપનીને ફટકાર્યો આર્થિક દંડ

લંડન: વિશ્વવિખ્યાત કંપની નેસ્લે (Nestle) માટે એક કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય આર્થિક રીતે અત્યંત મોંઘો સાબિત થયો છે. યુકેની એક એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે નેસ્લેને તેના પૂર્વ કર્મચારી લ્યુક બિલિંગ્સને આશરે ₹૨૭ લાખ (£૨૨,૦૦૦) વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે લ્યુકે ફેક્ટરીના વોશરૂમમાં 'વેપિંગ' (ઈ-સિગારેટ) કર્યું અને તેના કારણે આખી ફેક્ટરીનું કામકાજ ખોરવાઈ ગયું હતું.

ઘટનાની વિગતો મુજબ, ૧૧ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ટટબરી સ્થિત નેસ્લેની કોફી ફેક્ટરીમાં અચાનક ફાયર એલાર્મ વાગવા લાગ્યો હતો. સુરક્ષાના કારણોસર આખી ફેક્ટરી ખાલી કરાવવી પડી અને કલાકો સુધી ઉત્પાદન બંધ રહ્યું. સીસીટીવી અને આંતરિક તપાસમાં બહાર આવ્યું કે આ એલાર્મ શૌચાલયમાં પ્રતિબંધિત 'વેપિંગ' કરવાને કારણે વાગ્યો હતો. તપાસ દરમિયાન લ્યુકે શરૂઆતમાં વેપિંગનો ઇનકાર કર્યો હતો, પરંતુ બાદમાં સ્વીકાર્યું હતું કે તે ઘરે વેપિંગ કરે છે, જોકે તેણે ફેક્ટરીમાં વેપિંગ કર્યાનો ક્યારેય સ્વીકાર કર્યો નહીં.

નેસ્લેએ લ્યુકની આ હરકતને ગંભીર ગેરવર્તણૂક ગણી તેને તાત્કાલિક અસરથી બરતરફ કરી દીધો હતો. કંપનીની દલીલ હતી કે લ્યુકે સલામતીના નિયમો તોડ્યા, ખોટું બોલીને વિશ્વાસઘાત કર્યો અને કંપનીને આર્થિક નુકસાન પહોંચાડ્યું. જોકે, લ્યુકે આ નિર્ણયને ટ્રિબ્યુનલમાં પડકાર્યો હતો. તેણે એવી પણ દલીલ કરી હતી કે તેની ડિપ્રેશનની બીમારીને કારણે તેની સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે, જોકે કોર્ટે ભેદભાવના દાવાને ફગાવી દીધો હતો.

ટ્રિબ્યુનલે આશ્ચર્યજનક ચુકાદો આપતા જણાવ્યું કે નેસ્લે દ્વારા કરવામાં આવેલી બરતરફી 'અપ્રમાણસર' અને 'અન્યાયી' હતી. જજે નોંધ્યું કે જો લ્યુકે માફી માંગી હોત તો કંપની તેને કાઢી મૂકત નહીં, એટલે કે બરતરફીનું મુખ્ય કારણ સલામતીનો ભંગ નહીં પણ 'માફી ન માંગવી' હતી. કોર્ટે કહ્યું કે માફી ન માંગવી એ કોઈ એવી ગંભીર ગેરવર્તણૂક નથી કે જેના માટે કોઈની આખી કારકિર્દી ખતમ કરી દેવામાં આવે. જોકે, લ્યુકની ભૂલ પણ હોવાથી વળતરની રકમ અડધી કરી દેવામાં આવી હતી, છતાં નેસ્લેએ હવે તેને લાખો રૂપિયા ચૂકવવા પડશે.

(6:49 PM IST)