હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુપ્રીમ કોર્ટમાં હવે 'તારીખ પે તારીખ' નહીં ચાલે: ચીફ જસ્ટિસના આદેશથી મુલતવી રાખવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર, વકીલોએ પાળવા પડશે કડક નિયમો
માત્ર ગંભીર બીમારી કે આકસ્મિક સંજોગોમાં જ મળશે રાહત: વિરોધી પક્ષને વાંધો ઉઠાવવાની અપાઈ સ્વતંત્રતા, નવો પરિપત્ર જાહેર કરી જૂની વ્યવસ્થામાં કરાયો ધરમૂળથી ફેરફાર

નવી દિલ્હી: ભારતીય ન્યાયતંત્રમાં વર્ષોથી ચાલી આવતી 'તારીખ પે તારીખ'ની પ્રથા પર લગામ કસવા માટે સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક અને કડક પગલું ભર્યું છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ના નિર્દેશ હેઠળ ૧૮ માર્ચ, ૨૦૨૬ ના રોજ એક નવો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવેથી કેસોની સુનાવણી મુલતવી રાખવી એ વકીલોનો અધિકાર નહીં પણ માત્ર એક 'અપવાદ' ગણાશે.
નવી વ્યવસ્થા મુજબ, જો કોઈ વકીલ કે પક્ષકાર કેસ મુલતવી રાખવા માંગતા હોય, તો તેમણે સુનાવણીના આગલા દિવસે સવારે ૧૧:૦૦ વાગ્યા સુધીમાં વિરોધી પક્ષને તેની નકલ મોકલી આપવી પડશે. એટલું જ નહીં, વિરોધી પક્ષને પણ બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં ઈમેલ દ્વારા આ વિનંતી સામે વાંધો ઉઠાવવાની સત્તા આપવામાં આવી છે. કોર્ટ હવે દરેક મુલતવી રાખવાની વિનંતીમાં 'અપવાદરૂપ સંજોગો' જેમ કે પરિવારમાં મૃત્યુ, ગંભીર બીમારી કે અત્યંત અનિવાર્ય કારણોની જ ચકાસણી કરશે.
વિલંબને રોકવા માટે કોર્ટે વધુ એક મહત્વનો પ્રતિબંધ લાદ્યો છે. નવા કેસોમાં હવે માત્ર એક જ વાર મુલતવી રાખવાનો પત્ર આપી શકાશે. જો કોઈ પક્ષકાર સતત બે વાર મુલતવી માંગશે, તો તેની મંજૂરી આપવામાં આવશે નહીં, ભલે ગમે તે કારણ હોય. આ ઉપરાંત, જે કેસો 'નિયમિત બાબતો' (Regular Matters) તરીકે લિસ્ટ થયા છે, તેમાં તો મુલતવી રાખવાની કોઈ પણ વિનંતી સ્વીકારવામાં આવશે જ નહીં.
આ નવા નિયમો ૨૦૨૫ માં જારી કરાયેલા અગાઉના પરિપત્રોનું સ્થાન લેશે. સુપ્રીમ કોર્ટનો ઉદ્દેશ્ય ન્યાયિક પ્રક્રિયાને ઝડપી બનાવવાનો અને વકીલો દ્વારા કરવામાં આવતા બિનજરૂરી વિલંબને અટકાવવાનો છે. હવેથી દરેક વિનંતીમાં એ પણ જણાવવું પડશે કે અગાઉ કેટલી વાર મુલતવી માંગવામાં આવી છે. આ ફેરફારથી સામાન્ય પક્ષકારોને ઝડપી ન્યાય મળવાની આશા જાગી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
