<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

બહેરીનના નરકમાંથી 'મોત'ને હરાવી પાછો ફર્યો ભારતીય પરિવાર: મોડેલ પ્રિયંકા પાઠકે સંભળાવી ૧૫ દિવસ સુધી અંધારા ભોંયરામાં વિતાવેલી ભયાનક રાતોની દાસ્તાન

યુએસ મિલિટરી બેઝ પાસે મિસાઈલો અને આત્મઘાતી ડ્રોનનો વરસાદ, ભૂખ્યા-તરસ્યા કાર પાર્કિંગમાં વિતાવ્યા દિવસો: સુરક્ષિત વતન પરત ફરેલી પ્રિયંકાએ હજારો ફસાયેલા ભારતીયો માટે કરી આક્રંદભરી અપીલ

શાહજહાંપુર: "જેનું રક્ષણ ભગવાન કરે છે, તેને કોઈ મારી શકતું નથી" - આ કહેવત ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના પાઠક પરિવાર માટે હકીકત સાબિત થઈ છે. બહેરીનમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને આકાશમાંથી વરસી રહેલી ઈરાની મિસાઈલો વચ્ચે ૧૫ દિવસ સુધી મોત સામે જંગ લડીને જાણીતી મોડેલ પ્રિયંકા પાઠક, તેમના પતિ અનુજ અને નાનો પુત્ર સુરક્ષિત રીતે વતન પરત ફર્યા છે. ઘરે પહોંચતા જ પ્રિયજનોને ભેટીને આ પરિવારની આંખો છલકાઈ ગઈ હતી, જે તેમણે સહન કરેલા આતંકની સાક્ષી પૂરતી હતી.

પ્રિયંકા પાઠકે જણાવ્યું કે યુદ્ધ શરૂ થતા જ રાતોરાત બધું બદલાઈ ગયું હતું. તેમનું ઘર યુએસ લશ્કરી થાણાની એકદમ નજીક હોવાથી તે વિસ્તાર ઈરાની ડ્રોન અને મિસાઈલોનું મુખ્ય નિશાન બની ગયો હતો. વિસ્ફોટો એટલા ભયાનક હતા કે પરિવારે પોતાનું વૈભવી ઘર છોડીને બિલ્ડિંગના અંધારા ભૂગર્ભ પાર્કિંગમાં આશરો લેવો પડ્યો હતો. ત્યાં નહોતો પ્રકાશ કે નહોતું ખાવા-પીવાનું પાણી. પ્રિયંકા યાદ કરે છે કે, "અમે કારની અંદર બે દિવસ ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યા હતા, નાના બાળક માટે દૂધની વ્યવસ્થા કરવી પણ એક મોટો પડકાર હતો."

મિસાઈલોની ગર્જના અને ડ્રોનનો આતંક

સોફ્ટવેર એન્જિનિયર અનુજ પાઠકે જણાવ્યું કે આત્મઘાતી ડ્રોનનો અવાજ અને મિસાઈલ હુમલાથી થતા કંપનો એટલા તીવ્ર હતા કે આખો વિસ્તાર ધ્રૂજી ઉઠતો હતો. લોકો જીવ બચાવવા ફૂટબોલ કોર્ટ અને ખુલ્લા મેદાનોમાં દોડી રહ્યા હતા, પરંતુ ક્યાંય સલામતી નહોતી. શાહજહાંપુર સ્થિત તેમના પિતા અને ભાજપ નેતા સંજય પાઠકે કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદનો સંપર્ક સાધ્યો હતો, જેમણે સતત મદદ માટે પ્રયાસો ચાલુ રાખ્યા હતા. આખરે, જોખમોની વચ્ચે આ પરિવાર દમ્મામ અને મુંબઈ થઈને લખનૌ પહોંચવામાં સફળ રહ્યો હતો.

હજારો ભારતીયો માટે આર્તનાદ

સુરક્ષિત રીતે ઘરે પહોંચ્યા બાદ પ્રિયંકા પાઠકે ભારત સરકારને એક ભાવુક અપીલ કરી છે. તેમણે કહ્યું કે, "હું ભાગ્યશાળી છું કે મારો પરિવાર બચી ગયો, પરંતુ હજુ પણ હજારો ભારતીયો, વૃદ્ધો અને નાના બાળકો બહેરીન અને અન્ય ખાડી દેશોમાં ભોંયરાઓમાં છુપાયેલા છે. તેઓ ભય અને ભૂખ વચ્ચે જીવી રહ્યા છે, તેમને બહાર કાઢવા માટે સરકારે યુદ્ધના ધોરણે મદદ કરવી જોઈએ." પ્રિયંકાની આ આપવીતીએ વિદેશમાં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વધારી દીધી છે.

(7:12 PM IST)