<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

સિમેન્ટ સેક્ટર પર ગોલ્ડમેન સૅક્સનો 'સાવધ' રિપોર્ટ: અલ્ટ્રાટેકમાં ૨૨% કમાણીની તક, તો આ દિગ્ગજ શેરોમાં રોકાણકારોએ સાવચેત રહેવાની ચેતવણી

મોંઘો કોલસો અને ઈંધણ સિમેન્ટ કંપનીઓના નફામાં પાડશે ગાબડું: ૬ ટોચના સ્ટોક્સ માટે નવા ટાર્ગેટ જાહેર, જાણો કયા શેરમાં 'BUY' રેટિંગ અને ક્યાં 'SELL' ની અપાઈ સલાહ

મુંબઈ:વૈશ્વિક બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૅક્સે ભારતના સિમેન્ટ સેક્ટર પર પોતાનો તાજેતરનો અહેવાલ બહાર પાડ્યો છે, જેણે રોકાણકારોમાં ભારે ઉત્તેજના અને ચિંતા બંને જગાવી છે. બ્રોકરેજ ફર્મે સિમેન્ટ ક્ષેત્ર માટે સાવચેતીભર્યું વલણ અપનાવતા જણાવ્યું છે કે વધતા જતા ખર્ચ અને ઈંધણના ભાવમાં ઉછાળો કંપનીઓના માર્જિન પર મોટું દબાણ લાવી શકે છે. ખાસ કરીને પેટ-કોક અને કોલસાના વધતા ભાવની અસર આગામી ૬૦ થી ૭૫ દિવસમાં કંપનીઓના પરિણામોમાં સ્પષ્ટપણે જોવા મળશે.
   ગોલ્ડમેન સૅક્સના રિપોર્ટ અનુસાર, સિમેન્ટ સેક્ટરમાં અત્યારે મિશ્ર વાતાવરણ છે. એકતરફ પેકિંગ બેગની અછતને કારણે Q4 અને Q1 માં માંગ નબળી રહેવાની ધારણા છે, તો બીજી તરફ નાણાકીય વર્ષ ૨૦૨૭માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ વધતો સરકારી ખર્ચ આ ક્ષેત્રને ટેકો આપી શકે છે. બ્રોકરેજે આ સ્થિતિમાં ૬ મુખ્ય શેરો પર પોતાની રેટિંગ જાહેર કરી છે, જે રોકાણકારો માટે દિશાસૂચક સાબિત થઈ શકે છે.
અલ્ટ્રાટેકમાં તેજીની આશા, ACC માં વેચવાલીની સલાહ: બ્રોકરેજે સિમેન્ટ ક્ષેત્રના દિગ્ગજ એવા અલ્ટ્રાટેક સિમેન્ટ પર પોતાનો ભરોસો યથાવત રાખતા 'BUY' રેટિંગ આપ્યું છે. ₹૧૩,૬૪૦ ના લક્ષ્યાંક સાથે આ શેરમાં ૨૨.૭૨% સુધીનું વળતર મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ, ACC ના શેર પર 'SELL' રેટિંગ આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ સ્ટોકમાં નજીકના ભવિષ્યમાં દબાણ રહી શકે છે.
 રિપોર્ટમાં અન્ય ચાર મોટા શેર પર 'ન્યુટ્રલ' એટલે કે તટસ્થ વલણ અપનાવવામાં આવ્યું છે. જેમાં શ્રી સિમેન્ટ (લક્ષ્યાંક: ₹૨૭,૦૬૦), ડાલમિયા ભારત (લક્ષ્યાંક: ₹૨,૧૨૦), અંબુજા સિમેન્ટ્સ (લક્ષ્યાંક: ₹૪૯૮) અને JSW સિમેન્ટ્સ (લક્ષ્યાંક: ₹૧૧૯) નો સમાવેશ થાય છે. બ્રોકરેજનું માનવું છે કે જ્યાં સુધી ઊર્જાની અછત અને મોંઘા બળતણની સમસ્યા હલ નહીં થાય, ત્યાં સુધી આ ક્ષેત્રમાં મોટી તેજી આવવી મુશ્કેલ છે. રોકાણકારોએ અત્યારે સાવચેતીપૂર્વક 'વેઈટ એન્ડ વોચ' ની નીતિ અપનાવવી હિતાવહ છે.

(8:27 PM IST)