<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

કર્ણાટકમાં ધાર્મિક શોભાયાત્રાઓમાં 'ડીજે' અને 'આઇટમ ગીતો' પર વાગશે બ્રેક! વિધાનસભામાં ગરમાયો સાંસ્કૃતિક મર્યાદાનો મુદ્દો

"ભગવાનના સરઘસોમાં આઇટમ ગીતો વગાડવા એ શરમજનક છે": શ્રમ મંત્રી સંતોષ લાડની રજૂઆત બાદ સરકાર એક્શન મોડમાં, ધ્વનિ પ્રદૂષણ અને પરંપરા જાળવવા લેવાશે કડક નિર્ણય

બેંગલુરુ: કર્ણાટકની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવા માટે સિદ્ધારમૈયા સરકાર એક મોટું ડગલું ભરવાની તૈયારી કરી રહી છે. રાજ્યના કન્નડ અને સંસ્કૃતિ મંત્રી શિવરાજ તંગદાગીએ બુધવારે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે સરકાર સાંસ્કૃતિક કાર્યક્રમો, જયંતી ઉત્સવો અને ધાર્મિક સરઘસોમાં ડિસ્ક જોકી (DJ) અને અશ્લીલ ગણાતા 'આઇટમ ગીતો' વગાડવા પર પ્રતિબંધ મૂકવા માટે સત્તાવાર આદેશ જારી કરવાનું વિચારી રહી છે.

આ મુદ્દાની શરૂઆત શ્રમ મંત્રી સંતોષ લાડ દ્વારા કરવામાં આવી હતી, જેમણે અત્યંત આકરા શબ્દોમાં ડીજે સંસ્કૃતિની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, "આજકાલ કોઈપણ જયંતી હોય, આપણા ભગવાન ડીજે અને આઇટમ ગીતો વિના આગળ વધતા જ નથી, જે અત્યંત શરમજનક છે. આ પ્રકારનું ઘોંઘાટીયા સંગીત આપણી સંસ્કૃતિનું ભલું નહીં કરે." મંત્રી તંગદાગીએ આ વાત સાથે સહમતી દર્શાવતા ભાજપ પાસે પણ આ નિર્ણયમાં સહયોગ માંગ્યો હતો.

સ્વાસ્થ્ય અને ધ્વનિ પ્રદૂષણની ચિંતા

આ ચર્ચામાં પક્ષ અને વિપક્ષના અનેક નેતાઓએ સૂર પુરાવ્યો હતો. ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય એસ. સુરેશ કુમારે ડીજેના અવાજથી થતી શારીરિક તકલીફોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, "જેમના હૃદયમાં પેસમેકર બેસાડેલા છે તેવા દર્દીઓ અને નાના બાળકો આ પ્રચંડ અવાજથી પીડાય છે. પોલીસ પણ લાચાર છે, તેથી આ ધ્વનિ પ્રદૂષણ પર ગંભીરતાથી વિચાર કરવો જરૂરી છે." જોકે, શિમોગાના ભાજપ ધારાસભ્ય ચન્નાબાસપ્પાએ સુપ્રીમ કોર્ટના ડેસિબલ સ્તરના નિયમોનું પાલન કરવાની અને પક્ષપાત વગર કાર્યવાહી કરવાની વાત કરી હતી.

સ્થાનિક ઉત્સવોને પ્રોત્સાહન આપવાની નીતિ

માત્ર ડીજે જ નહીં, પરંતુ રાજ્યના દરેક જિલ્લામાં સ્થાનિક સંસ્કૃતિને જીવંત રાખવા માટે અલગ-અલગ 'ઉત્સવ' યોજવાની પણ ચર્ચા થઈ હતી. આઈટી મંત્રી પ્રિયંક ખડગેએ સૂચન આપ્યું હતું કે આ ઉત્સવો માત્ર મનોરંજન માટે જ નહીં, પરંતુ સ્થાનિક કલાકારોને આર્થિક રીતે મદદરૂપ થાય તેવા હોવા જોઈએ. સ્પીકર યુટી ખાદરે પણ ભાર મૂક્યો હતો કે જો દરેક જિલ્લાની પરંપરાને પ્રોત્સાહન નહીં અપાય, તો આવનારી પેઢી આપણી મૂળ સંસ્કૃતિ ભૂલી જશે. ટૂંક સમયમાં જ સરકાર આ અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડે તેવી શક્યતા છે.

(8:30 PM IST)