<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

સુપ્રીમ કોર્ટની વકીલોને લપડાક: "ગુંડાગીરીથી વકીલાતનો વ્યવસાય કલંકિત થયો", UP ટોલ પ્લાઝા કેસમાં સર્વોચ્ચ અદાલત લાલઘૂમ

આરોપીનો બચાવ કરનાર વકીલની ઓફિસ સળગાવવી એ અરાજકતાનું પ્રતીક: ન્યાયમાં અવરોધ ઉભો કરનાર બાર એસોસિએશન સામે તપાસના આદેશ, કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાનો ઐતિહાસિક નિર્ણય

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ટોલ પ્લાઝા પર થયેલા ઝઘડા બાદ વકીલો દ્વારા કરવામાં આવેલી હિંસા અને અરાજકતા પર સુપ્રીમ કોર્ટે અત્યંત કડક અને આકરી ટિપ્પણી કરી છે. જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે બારાબંકી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના સભ્યોની ઝાટકણી કાઢતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કાનૂની વ્યવસાયમાં આ પ્રકારની 'ગુંડાગીરી' કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આ કૃત્યોએ પવિત્ર ગણાતા વકીલાતના વ્યવસાયને કલંકિત કર્યો છે.

આ સમગ્ર વિવાદ ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ શરૂ થયો હતો, જ્યારે હૈદરગઢ ટોલ પ્લાઝા પર કાર પસાર કરવા બાબતે એક એડવોકેટ અને ટોલ કર્મચારીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટના બાદ વકીલોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને કોઈ પણ વકીલ આરોપી ટોલ કર્મચારીઓનો કેસ નહીં લડે તેવો ઠરાવ પસાર કર્યો હતો. જ્યારે મનોજ શુક્લા નામના એક વકીલે હિંમત દાખવી આરોપીઓ વતી જામીન અરજી દાખલ કરી, ત્યારે સાથી વકીલોએ તેમના ફર્નિચરને આગ ચાંપી દીધી હતી અને તેમના પૂતળા બાળ્યા હતા.

ન્યાયની સુરક્ષા માટે કેસ દિલ્હી ટ્રાન્સફર

સુપ્રીમ કોર્ટે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી છે. કોર્ટે અવલોકન કર્યું કે આરોપીઓને કાયદાકીય પ્રતિનિધિત્વ ન મળવું અને તેમની સ્વતંત્રતા છીનવી લેવી એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. આરોપીઓને ન્યાયી ટ્રાયલ મળે તે સુનિશ્ચિત કરવા માટે સુપ્રીમ કોર્ટે આ કેસને ઉત્તર પ્રદેશથી હટાવીને નવી દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. આ એક દુર્લભ પગલું છે જે દર્શાવે છે કે ન્યાયતંત્ર વકીલોની દાદાગીરી સામે નમવા તૈયાર નથી.

પોલીસ વડાને સુરક્ષાની જવાબદારી

અદાલતે આરોપી ટોલ કર્મચારીઓને જામીન આપતા જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ આ કેસમાં જામીન નકારવાનું કોઈ કારણ જણાતું નથી. આ સાથે જ ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (DGP) ને કડક સૂચના આપી છે કે જામીન પર મુક્ત થયા પછી આ કર્મચારીઓની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી તેમની રહેશે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને પણ આ હિંસક વકીલો સામે યોગ્ય શિસ્તભંગના પગલાં લેવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

(8:39 PM IST)