News of Wednesday, 18th March 2026
અમેરિકાના કેલિફોર્નિયામાં પટિયાલાના ૨૧ વર્ષીય આશાસ્પદ યુવાનની ગોળી મારી હત્યા: કાર ચલાવતી વખતે અજાણ્યા શખ્સોએ વરસાવી ગોળીઓ
૪૫ લાખ ખર્ચીને ઉજ્જવળ ભવિષ્ય માટે દીકરાને યુએસ મોકલ્યો હતો, પીઆર મળ્યાના થોડા જ સમયમાં ખેલાયો લોહિયાળ ખેલ: મૃતદેહ ભારત લાવવા પરિવારની સરકારને કરુણ અપીલ

કેલિફોર્નિયા : વિદેશ જઈને સ્થાયી થવાનું અને પરિવારનું નસીબ બદલવાનું સપનું એક પલકારામાં વિખેરાઈ ગયું છે. પંજાબના પટિયાલા જિલ્લાના સમાણા પાસે આવેલા ફતેહપુર ગામના માત્ર ૨૧ વર્ષના યુવાન ગુરદાસ સિંહની અમેરિકાના કેલિફોર્નિયામાં નિર્મમ ગોળીબારમાં હત્યા કરવામાં આવી છે. ૧૫ માર્ચે જ્યારે ગુરદાસ પોતાની કાર ચલાવી રહ્યો હતો, ત્યારે અચાનક થયેલા ફાયરિંગમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
ગુરદાસ સિંહ વર્ષ ૨૦૨૩માં ૧૨મું ધોરણ પાસ કર્યા બાદ મોટા સપનાઓ સાથે વર્ક પરમિટ પર અમેરિકા ગયો હતો. પરિવારે પેટે પાટા બાંધીને અંદાજે ૪૫ લાખ રૂપિયા ખર્ચીને તેને કેલિફોર્નિયા મોકલ્યો હતો. ગુરદાસે ત્યાં સખત મહેનત કરીને પીઆર (Permanent Residency) પણ મેળવી લીધું હતું અને હાલમાં જ નવું કામ શરૂ કર્યું હતું, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું.
પરિવાર પર આભ તૂટી પડ્યું
ગુરદાસના પિતા દવિંદર સિંહે ભારે હૈયે જણાવ્યું કે તેમને આ આઘાતજનક સમાચાર અમેરિકામાં રહેતા તેમના ભાઈ દીપક સિંહ દ્વારા મળ્યા હતા. ૨૧ વર્ષના લાડકવાયા દીકરાના મોતના સમાચાર મળતા જ ગામમાં માતમ છવાઈ ગયો છે. આર્થિક સંકડામણ અને દીકરાને ગુમાવ્યાના દુખ વચ્ચે પરિવાર હવે લાચાર બન્યો છે.
મૃતદેહ ભારત લાવવા સરકારની મદદની માંગ
દવિંદર સિંહે પંજાબ સરકાર અને કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે તેમના પુત્રના મૃતદેહને વતન ભારત લાવવામાં તાત્કાલિક વહીવટી મદદ પૂરી પાડવામાં આવે. ૨૧ વર્ષની નાની ઉંમરે અમેરિકામાં થયેલી આ હત્યાએ ફરી એકવાર વિદેશમાં ભારતીયોની સુરક્ષા પર મોટા સવાલો ઉભા કર્યા છે. ગુરદાસનો પરિવાર અગાઉ હરિયાણામાં રહેતો હતો, પરંતુ હાલમાં તેઓ પટિયાલાના ફતેહપુરમાં સ્થાયી થયા છે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
