<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

ગરમીની વચ્ચે કુદરતનો યુ-ટર્ન: દિલ્હી-યુપી સહિત ૨૧ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું 'રેડ એલર્ટ', ૬ રાજ્યોમાં પડશે કરા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આખું ભારત પલળશે: ક્યાંક બરફવર્ષા તો ક્યાંક ૮૦ કિમીની ઝડપે ફૂંકાશે વિનાશક પવન, જાણો તમારા રાજ્યમાં આવતીકાલે કેવું રહેશે હવામાન

નવી દિલ્હી:ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે રાહત અને આફત બંનેના સમાચાર આપ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આવતીકાલથી એટલે કે ૧૯ થી ૨૨ માર્ચ સુધી દેશના ૨૧ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની ગંભીર ચેતવણી જારી કરી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સર્જાયેલા ચક્રવાતી પરિભ્રમણને કારણે હવામાનમાં આ મોટો પલટો જોવા મળી રહ્યો છે.
  રાજધાની દિલ્હીમાં આવતીકાલે ૧૯ માર્ચે આકાશ વાદળછાયું રહેશે અને મધ્યમથી તૂટક તૂટક વરસાદ પડવાની શક્યતા છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી સુધી નીચે જઈ શકે છે, જેનાથી ગરમીમાં રાહત મળશે. જોકે, ઉત્તર પ્રદેશના મેરઠ, આગ્રા અને બરેલી સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે કરા પડવાની પણ શક્યતા છે, જેને પગલે ખેડૂતોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.
   પહાડો પર બરફવર્ષા અને મેદાનોમાં તોફાન: હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ૧૯ માર્ચે મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. કુલ્લુ, શિમલા અને મનાલી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ અને બરફવર્ષાની આગાહી છે, જેના કારણે પ્રવાસીઓને સાવચેતી રાખવા જણાવાયું છે. બીજી તરફ, રાજસ્થાનના જેસલમેર અને બિકાનેર જેવા રણ વિસ્તારમાં પણ વાવાઝોડા સાથે વરસાદની એન્ટ્રી થશે. પશ્ચિમ બંગાળના મેદાની વિસ્તારોમાં તો પવનની ગતિ ૮૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જે જનજીવન ખોરવી શકે છે.
   દક્ષિણ અને મધ્ય ભારતમાં પણ વરસાદી માહોલ: બિહાર, ઝારખંડ અને ઓડિશામાં ૨૦ માર્ચથી તોફાની પવન સાથે વરસાદ શરૂ થશે. દક્ષિણ ભારતમાં પણ કેરળ, તેલંગાણા અને કર્ણાટકમાં આગામી ૪ દિવસ સુધી વીજળીના કડાકા-ભડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગે લોકોને વીજળી પડવાની ઘટનાઓથી બચવા માટે ઘરની બહાર ન નીકળવા અને વૃક્ષો કે વીજળીના થાંભલાથી દૂર રહેવા કડક સૂચના આપી છે

(9:45 PM IST)