News of Thursday, 19th March 2026
ઈદ પૂર્વે સરહદ લોહીયાળ: પાકિસ્તાને યુદ્ધવિરામના ધજાગરા ઉડાવી અફઘાનિસ્તાન પર કર્યો ભીષણ તોપમારો
શાંતિની વાતો વચ્ચે કુનાર પ્રાંતમાં 72 જેટલા બોમ્બ ઝીંકાયા: પાકિસ્તાની સેનાએ 'ઓપરેશન ગઝ્બ-લિલ-હક' હેઠળ તાલિબાની ઠેકાણાઓ પર ડ્રોન અને હવાઈ હુમલા તેજ કરતા બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ

કાબુલ: ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર તહેવાર નિમિત્તે જાહેર કરાયેલ કામચલાઉ યુદ્ધવિરામ કલાકોમાં જ પડી ભાંગ્યો છે. અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં પાકિસ્તાની સેનાએ ભીષણ ગોળીબાર કરતા નારાઈ અને મનોગાઈ જિલ્લાઓમાં દહેશતનો માહોલ ફેલાયો છે. અફઘાન સત્તાધીશોના મતે, પાકિસ્તાને જાણીજોઈને રહેણાંક વિસ્તારો અને પરત ફરી રહેલા નિર્દોષ નાગરિકોને નિશાન બનાવીને 72 જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. જોકે, સદનસીબે આ હુમલામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ સરહદી વિસ્તારોમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે.
પાકિસ્તાને આ હુમલા પાછળ આતંકવાદ વિરોધી 'ઓપરેશન ગઝ્બ-લિલ-હક'નો હવાલો આપ્યો છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ દાવો કર્યો છે કે તેમણે તાલિબાનના શસ્ત્રોના ડેપો અને ડ્રોન સેન્ટરોને નષ્ટ કર્યા છે. પાકિસ્તાનનો આક્ષેપ છે કે તાલિબાની લડવૈયાઓ નાગરિકોના વેશમાં હુમલા કરી રહ્યા છે, જેના જવાબમાં અત્યાર સુધીમાં 700થી વધુ લડવૈયાઓ માર્યા ગયા હોવાનો દાવો કરાયો છે. સામો પક્ષ (અફઘાનિસ્તાન) આ દાવાઓને નકારીને પાકિસ્તાનને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી રહ્યો છે.
આ સંઘર્ષને કારણે દક્ષિણ વઝીરિસ્તાન અને અફઘાન સરહદ પરની 225થી વધુ ચોકીઓ પ્રભાવિત થઈ છે. પાકિસ્તાની માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારએ સ્પષ્ટ કર્યું હતું કે જો સરહદ પારથી ઉશ્કેરણી થશે તો સૈન્ય કાર્યવાહી અટકશે નહીં. બીજી તરફ, અફઘાન પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું કે તેમના સુરક્ષા દળોએ રક્ષણાત્મક વલણ અપનાવ્યું છે, પણ જો હુમલા ચાલુ રહેશે તો વળતો પ્રહાર અનિવાર્ય બનશે. ઈદ પહેલાના આ રક્તપાતે દક્ષિણ એશિયામાં ભૌગોલિક-રાજકીય અસ્થિરતામાં ધરખમ વધારો કર્યો છે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
