<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા વચ્ચે ભારતીયોનું દિલધડક રેસ્ક્યુ: ૨૦ દિવસમાં ૨.૬ લાખ નાગરિકો વતન પરત ફર્યા

વડાપ્રધાન મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ વચ્ચે ખાસ મંત્રણા; ઈરાન-આર્મેનિયા સરહદે ફસાયેલા વિદ્યાર્થીઓ માટે ભારત સરકારે જારી કરી એડવાઈઝરી

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે વધતા જતા સૈન્ય સંઘર્ષને પગલે લાખો ભારતીયોના જીવ અધ્ધર થઈ ગયા છે. આ કટોકટીના સમયમાં ભારત સરકારે અત્યંત સક્રિયતા દાખવીને અત્યાર સુધીમાં અંદાજે ૨.૬ લાખ ભારતીય મુસાફરોને સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં સફળતા મેળવી છે. વિદેશ મંત્રાલય (MEA) ના જણાવ્યા અનુસાર, ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલું આ સ્થળાંતર અભિયાન યુદ્ધના પડછાયા વચ્ચે પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
મોદી અને શેખ મોહમ્મદ વચ્ચે વ્યૂહાત્મક વાતચીત
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે. પીએમ મોદીએ યુએઈ પર થયેલા હુમલાઓની સખત નિંદા કરી હતી અને હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) દ્વારા મુક્ત નૌકાવિહાર અને પ્રાદેશિક શાંતિ જાળવવા પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓ આ સંકટ સમયે પરસ્પર સહયોગ માટે સંમત થયા છે.
વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે બોર્ડર એલર્ટ
તેહરાનમાં સ્થિત ભારતીય દૂતાવાસ હાલમાં ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સતત મદદ કરી રહ્યું છે. અનેક ભારતીયોએ સુરક્ષિત રહેવા માટે ઈરાની સરહદ પાર કરીને આર્મેનિયા અને અઝરબૈજાન તરફ જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સરકારે આ અંગે સ્પષ્ટ એડવાઈઝરી જારી કરીને નાગરિકોને નિર્ધારિત માર્ગોનો જ ઉપયોગ કરવા અપીલ કરી છે. આ ઉપરાંત, અખાતી દેશોમાં ફસાયેલા નાવિકો અને પ્રવાસીઓને વિઝા અને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવામાં આવી રહ્યો છે.
શિક્ષણ અને ફ્લાઇટ્સની સ્થિતિ
યુદ્ધની સ્થિતિને જોતા ગલ્ફ દેશોમાં કાર્યરત સીબીએસઈ (CBSE), આઈસીએસઈ (ICSE) અને કેરળ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. આ વિદ્યાર્થીઓના ગુણ નક્કી કરવા માટે બોર્ડ દ્વારા ટૂંક સમયમાં નવી પદ્ધતિ જાહેર કરાશે.
એર કનેક્ટિવિટીની વાત કરીએ તો, પરિસ્થિતિ હવે ધીમે ધીમે આશ્વાસનદાયક બની રહી છે. આજે એકલા યુએઈથી ભારત માટે ૭૦ જેટલી ફ્લાઇટ્સ ઓપરેટ થવાની શક્યતા છે. જોકે કુવૈતનું હવાઈ ક્ષેત્ર હજુ પણ બંધ છે, પરંતુ સાઉદી અરેબિયાના માર્ગે ખાસ નોન-શિડ્યુલ કોમર્શિયલ ફ્લાઇટ્સ ચલાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કતાર એરવેઝે પણ ભારત માટે તેની ઉડાન ચાલુ રાખી છે.

(7:30 PM IST)